Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

25 October 2021

માનવશાસ્ત્ર (anthropology)

માનવશાસ્ત્ર (anthropology)

માનવને કેન્દ્રમાં રાખીને તેને અનુલક્ષીને થતા વૈજ્ઞાનિક અભ્યાસનું શાસ્ત્ર. વસ્તુત: આ શાસ્ત્ર એક બાજુ પ્રાણી તરીકે માનવની ઉત્પત્તિ, પ્રાચીન તથા આધુનિક માનવપ્રજાતિનાં શારીરિક લક્ષણો, તેની સમાનતાઓ તથા વિભિન્નતાઓનું વિશ્લેષણ કરે છે તો બીજી બાજુ માનવે સર્જેલી ભૌતિક સંસ્કૃતિ, આવાસ, સાધનો, રાચરચીલું, પોશાક, ઘરેણાં, હથિયારો, કલા, શિલ્પ, સંગીત તથા સામાજિક સંસ્કૃતિમાં ભાષા, સાહિત્ય, ધર્મ, માન્યતાઓ, રૂઢિઓ, પ્રથાઓ, રિવાજો, પરંપરાઓ, લગ્ન, કુટુંબ, સગાઈવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય નિયમન વગેરે સંસ્થાઓની રચના તથા કાર્યવ્યવસ્થા, આદિમ જૂથો, એથ્નિક જૂથોથી માંડી આધુનિક સમુદાયોના સંબંધમાં ઉત્પત્તિ અને વિકાસની પ્રક્રિયાનું, તેમાં થતા ફેરફારો, તેના પ્રશ્નો અને તેના ઉકેલ વગેરે બાબતોને આવરી લેતું વિશાળ અભ્યાસફલક ધરાવે છે. તે માનવ અને તેનાં કાર્યોનો જેટલો વિસ્તાર અભ્યાસમાં સમાવે છે તેટલું વિશાળ ફલક અન્ય કોઈ વિજ્ઞાનનું નથી. તે એક બાજુ માનવશરીરનો અભ્યાસ કરતું હોઈ પ્રાકૃતિક કે ભૌતિક વિજ્ઞાન છે તો બીજી બાજુ સામાજિક વિજ્ઞાન પણ છે. તે વિવિધ ભૌતિક તથા સામાજિક વિજ્ઞાનો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. આથી સર્વ વિજ્ઞાનોમાં એક મહત્વના અને અગત્યના વિજ્ઞાન તરીકે તેનું મહત્વ સ્થપાયું છે.

યુરોપમાં નવજાગૃતિકાળ પછી ભૌતિક વિજ્ઞાનોની સાથે સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થયો, જેમાં ભૂગોળ, ખગોળ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો વિકાસ થયો. ઉપરાંત માનવસંસ્કૃતિ પરત્વે ભાર મુકાતાં તેમાંથી માનવશાસ્ત્રનો વિકાસ થયો. આ વિજ્ઞાનની પાયાની ભૂમિકા ફ્રેન્ચ વૈજ્ઞાનિક સેન્ટ સાઇમન (1760–1825) દ્વારા બંધાઈ અને ઓગુસ્ત કૉમ્તે(1798–1857)થી વૈજ્ઞાનિક પાયો નંખાયો. 19મી સદીમાં. બ્રિટિશ વહીવટકારોએ વિશ્વમાં પોતાની હકૂમત હેઠળના દેશોમાં શાસનને મજબૂત કરવા આફ્રિકા, ભારત તેમજ એશિયાના અન્ય દેશોમાં અને અમેરિકા વગેરેમાં સ્થાનિક પ્રજા વિશેની–જીવન, રીતરિવાજો, પ્રથાઓ, ભાષા, ધર્મ, અર્થવ્યવસ્થા, મહેસૂલ વગેરે વિશે–માહિતી એકઠી કરવાના પ્રયત્નો કર્યા. આ સંદર્ભમાં પ્રવાસીઓ, વેપારીઓ, મિશનરીઓ અને વહીવટી અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારનાં વર્ણનોવાળી વિપુલ સામગ્રી બહાર આવી. આ બધાંને આધારે માનવસંસ્કૃતિ, ધર્મ, સ્વભાવ વગેરે વિશે કેટલાક વિદ્વાનોએ અભિધારણાઓ બાંધવાનું શરૂ કર્યું. તેઓ ‘આરામખુરશીના વિદ્વાનો’ (armchair scholars) તરીકે ઓળખાયા.

આ પછી 19મી સદીના ઉત્તરાર્ધમાં માનવશાસ્ત્રનું અધ્યયનક્ષેત્ર અને અભ્યાસપદ્ધતિ અંગેનું માળખું વિવિધ વિદ્વાનો દ્વારા આકાર પામ્યું. એમાં વિવિધ સમુદાયોના વ્યવસ્થિત અભ્યાસો બહાર આવતાં માનવ-સંસ્કૃતિ અને તેના વિકાસના તુલનાત્મક અધ્યયનમાંથી સિદ્ધાંતો તારવવાની શરૂઆત થઈ. આમાં સર હેનરી માઇન(1861)ના ‘એન્શ્યન્ટ લૉ’, લોવિસ હેનરી મૉર્ગન(1870)ના ‘સિસ્ટિમ ઑવ્ કૉન્સૅન્ગ્વિનિટી ઍન્ડ ઍફિનિટી ઑવ્ ધ હ્યૂમન ફૅમિલી’ અને ઈ. બી. ટાઇલર (1871) કૃત ‘પ્રિમિટિવ કલ્ચર’ તેમજ એમાઇલ ડર્કહૅમ (1893–95) દ્વારા સામાજિક વર્તનના અભ્યાસનો પાયો નંખાયો. એમાંથી માનવશાસ્ત્રનું અભ્યાસક્ષેત્ર અને તેની અભ્યાસપદ્ધતિઓ અંગેનું માળખું આકાર પામ્યું. આ સમય દરમિયાન ચાર્લ્સ ડાર્વિન(1859)ના અભ્યાસે ઉત્ક્રાન્તિવાદની ભૂમિકા પૂરી પાડી અને માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સ્થાપવામાં મદદ મળી. હબર્ટ સ્પેન્સર (1876) અને હૉબહાઉસે ડાર્વિનના વિચારોની અસર હેઠળ માનવસમાજ, લગ્ન, કુટુંબ, ધર્મસંસ્થા વગેરેની ઉત્પત્તિમાં ઉત્ક્રાન્તિવાદના સિદ્ધાંતને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો. આદિકપિ(ape)માંથી મનુષ્ય ક્રમશ: પ્રગતિ કરતાં શારીરિક વિકાસ થતાં આજની સ્થિતિએ પહોંચ્યો છે તેવી માન્યતા વિકાસ પામી. બીજી બાજુ આદિમ સમુદાયોના અભ્યાસો પરત્વેનો ઝોક વધ્યો અને નક્કર માહિતી મેળવવા પર ભાર મુકાયો તથા તુલનાત્મક સંશોધન-પદ્ધતિનો ઉદભવ થયો. મૅકલે નન, ટેઇલર અને મૉર્ગનના અભ્યાસોથી ઉત્ક્રાન્તિવાદની ટીકા થઈ અને વાસ્તવિક હકીકતોના આધારે તારણો આપવાનો પ્રયત્ન થયો.

20મી સદીમાં જેમ્સ ફ્રેઝર દ્વારા 1922માં ‘Golden Bough’ દ્વારા પ્રત્યક્ષ નિરીક્ષણોવાળી માહિતીની રજૂઆત થઈ. ઉત્ક્રાન્તિવાદની ટીકા થઈ તથા સાંસ્કૃતિક પ્રસારનો વિચાર રજૂ થયો. આ બાબતને જી. ઈ. સ્મિથ (1871–1973), ડબ્લ્યૂ. જે પેરી (1887–1949), ડબ્લ્યૂ. એચ. રિવર્સ (1914), જર્મન માનવશાસ્ત્રી એફ રિટ્ઝલે, એફ. ડબ્લ્યૂ. સ્મિથ (1868–1954), અમેરિકન માનવશાસ્ત્રી ફ્રાન્સ બોઆસ (1928), એલ. એ. ક્રોબર (1923) વગેરે દ્વારા સમર્થન મળ્યું તથા કલ્પના કે માની લીધેલી વિગતોને બદલે વાસ્તવિક હકીકતો મેળવી તેને આધારે સૈદ્ધાંતિકીકરણ કરવા પર ભાર મુકાયો તથા પ્રત્યક્ષ અભ્યાસોની પ્રણાલિકાનું મહત્વ સ્થપાયું. આ સમય દરમિયાન રેડક્લિફ બ્રાઉન (1922), મેલિનૉવ્સ્કી (1922), માર્ગરેટ મીડ (1928), રૉબર્ટ રેડફીલ્ડ (1953), લૉવી સ્ટ્રોસ (1966) વગેરે માનવશાસ્ત્રીઓએ માનવશાસ્ત્રના અધ્યયનમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્યની અનિવાર્યતા અને સામાજિક સંરચના તથા તેનાં કાર્યાત્મક પાસાંઓનાં અધ્યયનો પરત્વેનો નવો અભિગમ આપ્યો તેમજ સામાજિક સંસ્થાઓને સમજવા પર ભાર પણ મૂક્યો. ઈ. ઈ. ઈવાન્સ પ્રિચાર્ડે (1951) માનવશાસ્ત્રમાં ઐતિહાસિક પદ્ધતિની ઉપયોગિતા દર્શાવી. રૉબર્ટ રેડફીલ્ડ અને મિલ્ટન સિંગરે (1972) લઘુ સમુદાયોના અધ્યયનની ઉપયોગિતા સ્પષ્ટ કરી તથા સાંસ્કૃતિક લઘુ તથા બૃહદ્ પરંપરાઓ પરત્વે ધ્યાન ખેંચ્યું. માર્ગરેટ મીડ (1944) અને રૂથ બેનેડિક્ટે (1934) માનવશાસ્ત્રમાં મનોવૈજ્ઞાનિક અભિગમ સ્થાપ્યો. લૉવી સ્ટ્રોસે (1966) સાંસ્કૃતિક સાપેક્ષતાના સિદ્ધાંતને નકાર્યો અને નૂતન ઉત્ક્રાંતિની સામાજિક પરિકલ્પનાને ટેકો આપ્યો. તેમણે દંતકથાના ઊંડાણભર્યા અધ્યયનને મહત્વ આપ્યું, વિકસિત અને ઓછા વિકસિત સમુદાયો વચ્ચેનું અંતર કાયમી છે તે વાતને રદિયો આપ્યો અને અનુકૂલન દ્વારા સામાજિક પરિવર્તનની પ્રક્રિયા વધુ વેગવાન બને છે તે બાબત પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં દેખાતા પરિવર્તન પરથી સ્પષ્ટ કર્યું.

20મી સદીના મધ્યકાળમાં તો માનવશાસ્ત્રે અધ્યયનમાં સામાજિક સંરચનાત્મક તથા સામાજિક કાર્યાત્મકતાના અભિગમો અપનાવી સૈદ્ધાંતિક ઉચ્ચતા પ્રાપ્ત કરી. ક્ષેત્રકાર્ય દ્વારા પ્રત્યક્ષ અધ્યયનપદ્ધતિનું નિર્માણ કર્યું અને તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરી વિવિધ સમુદાયોનાં અધ્યયનોમાંથી સૈદ્ધાંતિકીકરણ કર્યું. માનવજીવનનાં વિવિધ પાસાંઓ પરત્વેનાં અધ્યયનોમાંથી માનવશાસ્ત્રની વિવિધ વિશેષ શાખાઓ વિકાસ પામી. આમાંથી વ્યવહારલક્ષી માનવશાસ્ત્રનો વિકાસ થયો. રેડમંડ ફર્થ (1955) દર્શાવે છે કે માનવશાસ્ત્રે ‘સોશ્યલ એન્જિનિયરિંગ’નું કામ કર્યું છે. તે આદિમ સમાજ અને આધુનિક સમાજો વચ્ચે એક સેતુ બાંધવાનું કાર્ય કરે છે. કલખોન (1950) દર્શાવે છે કે માનવશાસ્ત્રી સમાજના એક ડૉક્ટર તરીકે સામાજિક રોગોનું નિદાન અને પરીક્ષણ કરે છે, તથા તેનો ઉપચાર કરવાનું પણ કાર્ય કરે છે. આમ તે ‘સોશ્યલ મેડિસિન’નું કામ કરતું પણ થયું છે. ભારતમાં શરદચંદ્ર રૉયે ઉરૉવ આદિજાતિના સંદર્ભમાં પેદા થયેલા સંઘર્ષને ખાળવામાં ભાગ ભજવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં કોરિયાના યુદ્ધમાં, આફ્રિકામાં આદિવાસી જાતિઓમાંના સંઘર્ષને ટાળવામાં માનવશાસ્ત્રીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રૂથ બેનેડિકટે (1946) જાપાનીઓ વિશેનો રાષ્ટ્રીય ચારિત્ર્યનો અભ્યાસ કરવામાં તેમજ એલટન મેયો, ગાર્ડનર મરફી, વ્હાઇટ વગેરેએ આધુનિક ઔદ્યોગિક સમસ્યાઓ હલ કરવામાં માનવશાસ્ત્રીય ર્દષ્ટિકોણનો ઉપયોગ કર્યો હતો. આમ જનસંખ્યા, લઘુમતી કોમો, એથ્નિક સમુદાયો વચ્ચેના સંઘર્ષો ટાળવામાં, સામાજિક સ્વાસ્થ્ય, અપરાધચિકિત્સા, ગ્રામપુનર્નિર્માણ, ગ્રામપુનર્વસવાટ વગેરેમાં માનવશાસ્ત્રનું જ્ઞાન આધુનિક સમાજને ઘણું સહાયક થયું છે.

અરવિંદ ભટ્ટ

No comments:

Post a Comment