આંતરસૂઝ દ્વારા અધ્યયન - કોહલર
Theory of Insightful learning -
Kohler
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફરજિયાત એકાંતવાસના ફલસ્વરૂપે કોહલર, કોફકા અને વર્ધીમર જેવા જર્મન મનોવૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંત તારવવાનો પ્રયત્ન કર્યો :
‘ Gestalt ' એ જર્મન શબ્દ છે જેનો અર્થ “ Organised whole ' કે સમગ્રતા ' કરી શકાય . સમગ્રતા પર ભાવ મૂકવાને કારણે આ મનોવૈજ્ઞાનિકો સમગ્રતાવાદીઓ તરીકે ઓળખાયા. તેઓના મતે અધ્યયન પ્રક્રિયા એ માત્ર દેવનું અધ્યયન કે ઉત્તેજક - પ્રતિચારનું જોડાણ નથી. અધ્યયનને તેઓ માત્ર અધ્યયન તરીકે કે પ્રયત્ન અને ભૂલ તરીકે જોવાને બદલે હેતુપૂર્વકની સર્જનાત્મક કામગીરી તરીકે જુએ છે. સમગ્રતાવાદ અનુસાર અધ્યયન એક પ્રક્રિયા છે, જેમાં પ્રાણી ક્રિયા પ્રતિક્રિયા કરે છે, આદાનપ્રદાન કરે છે અને તેના આધારે પ્રતિચારો આપે છે. તેઓના મતે જ્ઞાન ટુકડે ટુકડે નહિ પરંતુ સમગ્ર રીતે અપાવું જોઈએ. નવા જ્ઞાન સાથે હંમેશા જૂના જ્ઞાનનો સંદર્ભ લેવો જોઇએ. અધ્યયન કરનાર હંમેશા સમગ્ર પરિસ્થિતિને જુએ છે અને વિવિધ સંબંધોને ચકાસે છે. તેનાં આધારે બુદ્ધિપૂર્વક નિર્ણય લે છે. પ્રાણી હંમેશાં કોઇ ચોક્કસ ઉત્તેજકને પ્રતિચાર આપતું નથી. પરંતુ; યોગ્ય સંબંધ કે અનુબંધને પ્રતિચાર આપે છે. સમગ્રતાવાદ આંતરસૂઝ શબ્દ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દર્શન અને પ્રતિચાર આપવામાં બુદ્ધિ જેવાં તત્ત્વનો ઉપયોગ આ બાબત સમજાવવા પ્રયત્ન કરે છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનને મનોવિજ્ઞાનીઓ બોધાત્મક શિક્ષણ ( Cognitive Learning ) ના એક પ્રકાર તરીકે ઓળખાવે છે. બોધાત્મક શિક્ષણ એટલે ઘટનાના અનુભવને કારણે કોંઈપણ દેખીતા પ્રબલન વગર પ્રાણી ઘટનામાંના નવા સંબંધો કે સાહચર્યો શીખે. તે પર્યાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતીની પ્રક્રિયાકરણની રીતમાં અનુભવને પરિણામે પ્રગટ પ્રબલન વિના, જયારે ફેરફાર થાય છે ત્યારે તેને બોધાત્મક શિક્ષણ કહે છે.
" આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો તે. આંતરસૂઝ એટલે સમગ્ર પરિસ્થિતિના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતરસંબંધ સમજવો તે. આંતરસૂઝયુક્ત શિક્ષણ એટલે એવું શિક્ષણ જેમાં સમસ્યાયુક્ત પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણના પુર્નસંગઠનનો સમાવેશ થાય છે અને લાંબા સમય સુધી કોઇ પ્રગતિ વિના એકાએક સમસ્યાનો ઉકેલ જડી આવે છે. "
આંતરસૂઝ એ એવી પ્રક્રિયા છે કે જેના વડે સમસ્યાના મૂળભૂત સ્વરૂપમાં અંદર ડોકિયું કરીએ છીએ અને તેની મદદથી ઉકેલ શોધીએ છીએ. આવા ઉકેલો અચાનક મળે ત્યારે તેને અંતઃસૂઝનો ઝબકારો કહેવાય છે.
કોહલરનો ચિમ્પાન્ઝી પર પ્રયોગ :
એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળું રહે તે રીતે એક દોરીનો છેડો પાંજરાની નજીક રાખી દોરીના બીજા છેડે કેળું બાંધવામાં આવ્યું. થોડીક વિચારણા બાદ તેણે દોરી ખેંચી કેળું મેળવ્યું.
અન્ય એક પ્રયોગમાં ચિમ્પાન્ઝી સુલતાનને પાંજરામાં પૂર્યા બાદ પાંજરાની છત પર એક કેળું લટકાવ્યું. એક ખોખું મૂકવામાં આવ્યું હતું. સુલતાને કેળું મેળવવા કૂદકા માર્યા, પરંતુ તેને સફળતા મળી નહીં. અચાનક તેની નજર ખોખા પર પડી. તેણે ખોખાનો ઉપયોગ કરી છત પર લટકતું કેળું મેળવ્યું. આથી આગળ વધી કોહલરે કેળું વધુ ઊંચે લટકાવ્યું કે જેથી સુલતાનને તે કેળું મેળવવા એકથી વધુ ખોખાનો ઉપયોગ કરવો પડે. સુલતાનને આ પ્રયોગમાં પણ કેળું મેળવવામાં સફળતા મળી.
બીજા એક પ્રયોગમાં કોહલરે સુલતાનના પાંજરાની બહાર થોડે દૂર એક કેળું મૂક્યું. પાંજરામાં એકબીજામાં ભરાવી શકાય તેવી બે લાકડી મૂકવામાં આવી. સુલતાને બંને લાકડી કે કેળું મેળવવાના પ્રયત્નો કરી જોયા, પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળી. તે લાકડી વડે રમવા લાગ્યો . અચાનક તેને ઉકેલ જડી આવ્યો. બંને લાકડી જોડી સુલતાને પાંજરાથી દૂર રહેલું કેળું મેળવ્યું.
પ્રયોગોના આધારના કોહલરે કરેલા આંતરસૂઝ દ્વારા અધ્યયનનાં નીચેનાં લક્ષણો તારવી શકાય.
- આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનો સહારો લેવામાં આવે છે. નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે.
- બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે. પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી તેમ તેનામાં આંતરસૂઝનું પ્રમાણ વધુ.
- આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સમાયેલ છે તેમ કહી શકાય. પરંતુ, આ પ્રયત્ન અને ભૂલ આંતરસૂઝ દ્વારા અધ્યયનનું અંતિમ સોપાન નથી.
- આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે પ્રાણી સમક્ષ સમગ્ર અને સ્પષ્ટ પરિસ્થિતિ હોવી જરૂરી છે. પરિસ્થિતિનું અપૂરતું દર્શન આંતરસૂઝને અવરોધે છે.
- આંતરસૂઝ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવ્યા બાદ મહાવરો જરૂરી છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વાનુભવોનું નવીન સંયોજન વિચારવામાં આવે છે. વિષયવસ્તુનું નવીન સંયોજન અને અર્થઘટન વ્યક્તિને અચાનક સમસ્યાનો ઉકેલ મેળવી આપે છે. વ્યક્તિ " આહ " સાથે સફળતાનો આનંદ મેળવે છે.
આંતરસૂઝ દ્વારા અધ્યયનના શૈક્ષણિક ફલિતાર્થ :
- આંતરસૂઝ દ્વારા અધ્યયન પ્રતિચારોમાં યાંત્રિકતાને સ્થાન અપાતું નથી. આ સિદ્ધાંત અધ્યયનને હેતુપૂર્વકની પ્રક્રિયા તરીકે નિહાળે છે.
- બાળકનામાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ. બાળકની જિજ્ઞાસા વધે તે માટેના પ્રયત્નો શિક્ષક દ્વારા કરાવા જોઈએ.
- શિક્ષણ હેતુકેન્દ્રી છે અને તેથી તેની ઉપયોગિતા બાળકને સમજાવવી જોઈએ.
- " સમગ્રતા તરફથી વિભાગો તરફ " " સંશ્લેષણ તરફથી વિશ્લેષણ તરફ " જેવાં શિક્ષણનાં સૂત્રોને ધ્યાનમાં રાખી તે પ્રમાણેની શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક દ્વારા પસંદ કરાવી જોઈએ. આ ઉપરાંત સમસ્યા ઉકેલ પદ્ધતિ પણ બાળકમાં આંતરસૂઝ વિકસાવવામાં ઉપયોગી બની શકે.
- “ જ્ઞાન અખંડ છે ” આ બાબતનો અનુભવ કરાવવા શિક્ષકે હંમેશા નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિવિધ વિષયો અને પેટામુદા સાથેના અનુબંધ દ્વારા જ આ અનુભવ બાળકને થઈ શકે. પરંતુ, તે માટે શિક્ષકપણે ઘણી તૈયારી હોવી જરૂરી છે.
- આંતરસૂઝનો આધાર અધ્યયન પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણ પર રહેલો છે, તેથી શિક્ષણ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને સ્થાન અપાવું જોઈએ.
No comments:
Post a Comment