ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ
ઈડિપસ ગ્રંથિ અને ઇલેક્ટ્રા ગ્રંથિ : પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની જાતીય આકર્ષણ દર્શાવતી ગ્રંથિ. ડૉ. સિગ્મંડ ફ્રૉઇડના સિદ્ધાંત અનુસાર પુત્રની માતા પ્રત્યેની અને પુત્રીની પિતા પ્રત્યેની શારીરિક આસક્તિ અને જાતીય સહચાર માટેની ગ્રંથિ તેમજ એથી ઊલટા પ્રકારે પુત્રની પિતા પ્રત્યેની અને પુત્રીની માતા પ્રત્યેની ઈર્ષ્યાની ગ્રંથિ. આ બંને ગ્રંથિઓને ગ્રીક દંતકથાનાં બે જુદાં જુદાં પાત્રો સાથે સાંકળી લઈને તેમને અનુક્રમે ઈડિપસ ગ્રંથિ તથા ઇલેક્ટ્રા ગ્રંથિના નામે ઓળખવામાં આવે છે. વિધિની વક્રતાનો માર્યો ઈડિપસ પોતાના જ પિતાની હત્યા કરીને પોતાની માતા સાથે લગ્ન કરે છે એવું દંતકથાનું વસ્તુ છે. બીજી એક કથા અનુસાર ઇલેક્ટ્રા પોતાની માતાની હત્યા કરાવવામાં કારણભૂત બને છે અને પિતા સાથે જાતીય સંબંધ બાંધે છે.
ડૉ. ફ્રૉઇડે ‘ઇન્ટરપ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’ (1899) નામના પોતાના ગ્રંથમાં આ મતનું પ્રતિપાદન કર્યું છે. એ મુજબ 3થી 6 વર્ષનાં સંતાનોમાં વડીલો પ્રત્યેની આવી લાગણી તીવ્ર હોય છે.
પુત્રનાં માતા પ્રત્યેનાં અને પુત્રીનાં પિતા પ્રત્યેનાં આકર્ષણ તથા આસક્તિમાં અનુક્રમે પિતા તેમજ માતા ભાગ પડાવે છે એવા મનોભાવથી પીડાતાં આ બાળસંતાનોના મનમાં પિતા કે માતા પ્રત્યે ઈર્ષ્યા, દ્વેષ તથા ધિક્કાર જન્મવા ઉપરાંત અજ્ઞાત ભાવે હિંસાત્મક વલણો પણ સળવળતાં હોય છે; પણ અગિયારેક વર્ષની આસપાસ શૈશવની સમાપ્તિની સાથોસાથ, વડીલો પ્રત્યેની આસક્તિ અને ઈર્ષ્યાની ગ્રંથિનું નિવારણ થાય છે. ઉંમર વધતાં પુત્ર અને પુત્રી અનુક્રમે પિતા અને માતાના વ્યક્તિત્વ સાથે તાદાત્મ્ય અનુભવે છે અને ઘણુંખરું માબાપને જીવનના આદર્શ તરીકે જોતાં થાય છે. અજ્ઞાત મનનો જાતીય સહચારનો ઉદ્રેક પણ શમવા માંડે છે; તેના સ્થાને સમાજસ્વીકૃત માતૃભક્તિ તથા પિતૃપ્રેમની ભાવના બંધાતી જાય છે. જે કુટુંબોમાં માબાપ સાથેનો સંબંધ વાત્સલ્યપૂર્ણ અને લાગણીક્ષોભ વગરનો હોય છે તથા માબાપના વ્યવહારમાં નિષેધ કે વહાલનો અતિરેક નથી હોતો ત્યાં આ ગ્રંથિનું નિરાકરણ સહજ અને સરળ બની રહે છે.
બાલમાનસમાં ગંઠાયેલા આ મનોભાવનું કેટલાક કિસ્સામાં નિવારણ નથી પણ થતું. વય વધવા છતાં વણઉકેલાયેલી રહેતી આ ગ્રંથિ ખાસ કરીને વ્યક્તિના જાતીય વ્યવહારમાં સમસ્યા સર્જે છે. બાળપણની માતૃ-આસક્તિની ગ્રંથિના માર્યા કેટલાક યુવકો એટલા માતૃભક્ત બની જાય છે કે લગ્ન પ્રત્યે તેમનામાં અણગમો તથા અનિચ્છા જન્મે છે; તેઓ લગ્ન કરે તોપણ ‘માવડિયા’ બની રહેવાથી પત્નીને લગ્નસુખનો સંતોષ આપી શકતા નથી. એ જ રીતે પુત્રી પણ પિતૃપ્રેમની ગ્રંથિથી દોરવાઈને યુવાનવયે પરપુરુષ પ્રત્યે દેહાકર્ષણ અનુભવી શકતી નથી. તે લગ્ન કરે તોપણ પતિ સાથે તેનો મનમેળ કે લાગણીમેળ ગોઠવાઈ શકતો નથી. આમ ડૉ. ફ્રૉઇડના મતે વડીલો પ્રત્યેના આકર્ષણ તથા અણગમાની આ ઉભય ગ્રંથિઓ બાળસંતાનોના વ્યક્તિત્વવિકાસમાં નિર્ણાયક બની રહે છે.
એસ. ટી. રાજદેવ
No comments:
Post a Comment