Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

05 March 2022

આક્રમક વર્તન (aggressive behaviour)

આક્રમક વર્તન (aggressive behaviour)

આક્રમક વર્તન (aggressive behaviour) : કોઈ વસ્તુ કે વ્યક્તિને ઇરાદાપૂર્વક ઈજા, હાનિ કે નુકસાન કરનારું વર્તન. સમાજમાં આવા આક્રમક વર્તનનું પ્રમાણ દિનપ્રતિદિન વધતું જતું હોવાથી આજના સમાજવિજ્ઞાનીઓને માટે એ ચિંતાનો વિષય બની ગયું છે.

આક્રમક વર્તન સહજવૃત્તિ તરીકે : કેટલાક અભ્યાસીઓ માને છે કે આક્રમક રીતે વર્તવાની જન્મજાત સહજવૃત્તિ માણસમાં પડેલી હોય છે. સિગ્મંડ ફ્રૉઇડ(1856–1939)ના મત મુજબ માનવવર્તનનું સંચાલન બે મૂળભૂત સહજવૃત્તિઓ દ્વારા થાય છે : (1) જીવનવૃત્તિ (eros) અને (2) વિનાશવૃત્તિ (thantos), જીવનવૃત્તિથી પ્રેરાઈને માનવી પોતાની જાતને તથા અન્ય વ્યક્તિઓને પ્રેમ કરે છે. આ જ વૃત્તિને લીધે તે પોતાને અને પોતાની જાતિને ટકાવી રાખવા ઝઝૂમે છે. વિનાશવૃત્તિથી પ્રેરાઈને વ્યક્તિ મૃત્યુ ઇચ્છે છે, પોતાની ઉત્પત્તિ જેમાંથી થઈ છે તેવી અચેતન અવસ્થા તરફ જવાની ઝંખના કરે છે. ફ્રૉઇડે બતાવ્યું છે કે આ બંને પરસ્પરવિરોધી વૃત્તિઓ વચ્ચે સતત આંતરયુદ્ધ ચાલતું રહે છે. જ્યારે વિનાશવૃત્તિનું પ્રાબલ્ય થાય ત્યારે તે આક્રમક વર્તનના સ્વરૂપમાં બહાર આવે છે. વિનાશવૃત્તિ બીજા તરફ વળે તો ‘પરપીડન’ અને પોતાના તરફ વળે તો આત્મહત્યા સુધીનું ‘આત્મપીડન’ કરતું વર્તન જોવા મળે છે. પ્રાણીવર્તનનો અભ્યાસ કરનારા (ethologist) વૈજ્ઞાનિકોએ પણ આક્રમક વર્તનના ખુલાસા માટે સહજવૃત્તિવાદનું સમર્થન કર્યું છે. ઑસ્ટ્રિયન પ્રાણીવર્તનશાસ્ત્રી કૉનરાડ લોરેન્ઝે (1966) પોતાના અભ્યાસો દ્વારા બતાવ્યું છે કે માનવીમાં પણ અન્ય પ્રાણીઓની જેમ જ આક્રમક વર્તનની જન્મજાત સહજવૃત્તિ રહેલી છે. આ સહજવૃત્તિનો ઉદ્દેશ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો છે. પોતાનું, પોતાના શિશુઓનું અને પોતાના વિસ્તાર કે સરહદનું જતન અને સંરક્ષણ કરવા માટે પ્રાણીઓ આક્રમક વર્તન કરે છે. લોરેન્ઝના મતે પ્રાણીઓ અને મનુષ્યનાં આક્રમક વર્તનમાં ભેદ એ છે કે મોટાભાગનાં પ્રાણીઓમાં આક્રમક વર્તનની બાબતમાં જન્મગત નિરોધ (inborn inhibition) હોય છે, અને તેથી પ્રાણીઓ પોતાનું મૃત્યુ થાય ત્યાં સુધી લડતાં નથી કે પોતાની જાતિનાં અન્ય પ્રાણીને હણતાં પણ નથી. લડાઈની ચરમ સીમાએ બેમાંથી કોઈ એક પ્રાણી ‘શરણાગતિ’ સ્વીકારી લે છે. કમભાગ્યે માનવીમાં બીજાં પ્રાણીઓની જેમ આક્રમક વર્તનની બાબતમાં ‘જન્મગત નિરોધ’નો વિકાસ થયેલો નથી અને તેથી પોતાની જાતિના જ બીજા સભ્યને હણી નાખવાની ક્રૂરતા માનવીમાં જોવા મળે છે. પૃથ્વી પરનાં બધાં પ્રાણીઓમાં માનવી આ ર્દષ્ટિએ વધુ ખતરનાક પ્રાણી છે.

આક્રમક વર્તનનો જૈવિક આધાર : આક્રમક વર્તનના જૈવિક આધાર વિશે પણ નોંધપાત્ર સંશોધનો થયાં છે. એક પ્રયોગમાં બિલાડીના હાયપોથૅલેમસના અમુક ચોક્કસ વિસ્તારને વીજાગ્ર (electrode) દ્વારા ઉદ્દીપ્ત કરવામાં આવ્યો તો બિલાડી ફૂંફાડા મારવા લાગી, તેની રુંવાટી ઊભી થઈ ગઈ, કીકીઓ પહોળી થઈ ગઈ અને પાંજરામાંના ઉંદર પર તેણે જોરદાર હુમલો કર્યો. આથી વિરુદ્ધ અધશ્ચેતક(hypothalamus)ના બીજા વિસ્તારને ઉદ્દીપ્ત કરવામાં આવ્યો તો આવાં કોઈ ચિહ્નો જોવા મળ્યાં નહિ. આનો અર્થ એ કે મજ્જાતંત્રમાંનાં અર્ધશ્ચેતકના અમુક ચોક્કસ વિસ્તારમાં આક્રમક વર્તન માટેનાં કોઈ કેન્દ્રો હોવાં જોઈએ. ડી. સ્મિથ, એમ. કિંગ અને બી. હોએબેલે (197૦) એક પ્રયોગમાં ઉંદરોનાં બે જૂથ લીધાં. એક જૂથમાં જંગલી હિંસક ઉંદરો હતા અને બીજા જૂથમાં શાંત ઉંદરો હતા. આ સંશોધકોએ શાંત ઉંદરડાઓના મગજના મજ્જાકોષમાં કાર્બાહોલ કે નિયોસ્ટિગમાઇન નામનું રસાયણ નિક્ષિપ્ત કર્યું તો તે ઉંદરડાઓ હિંસક બની ગયા અને એથી વિરુદ્ધ હિંસક ઉંદરડાઓના મગજના મજ્જાકોષોમાં મિથાઇલ ઍટ્રોપિન રસાયણ નિક્ષિપ્ત કર્યું તો તે ઉંદરડાઓ શાંત થઈ ગયા. આ અભ્યાસ આક્રમક વર્તન પાછળ કોઈક પ્રકારનાં જૈવ રાસાયણિક તત્ત્વો હોવાં જોઈએ તેવો નિર્દેશ કરે છે. જોકે ઉચ્ચ કક્ષાનાં સસ્તન પ્રાણીઓમાં આક્રમક વર્તનનું નિયમન અધશ્ચેતકનાં કેન્દ્રો કરતાં ‘મસ્તિષ્ક બાહ્યાવરણ’ (cortex) દ્વારા થતું હોય એ વધારે શક્ય છે. વાનરો પરના પ્રયોગોમાં એવું જોવા મળ્યું છે કે વાનરના અધશ્ચેતકનો ઉદ્દીપ્ત કરવામાં આવે તો વર્ચસ્ના ક્રમમાં પોતાનાથી ઊતરતા વાનર પર તે હુમલો કરે છે, પરંતુ માદા વાનરને તે સતાવતો નથી. વર્ચસ્ ક્રમમાં સાવ નીચું સ્થાન ધરાવતા વાનરના અધશ્ચેતકનો ઉદ્દીપ્ત કરવામાં આવે તો તે ટૂંટિયું વાળીને બેસી રહે છે અને તાબેદાર વર્તન કરે છે. આનો અર્થ એ થયો કે ઉચ્ચ કક્ષાનાં સસ્તન પ્રાણીઓમાં અધશ્ચેતકનાં કેન્દ્રોના ઉદ્દીપનથી સ્વયંસંચાલિત રીતે આક્રમક વર્તન ઉદભવતું નથી. અધશ્ચેતક ‘મસ્તિષ્ક બાહ્યાવરણ’ને સંદેશો મોકલે છે કે તેનાં ‘આક્રમક વર્તન માટેનાં કેન્દ્રો’ (aggressive centres) સક્રિય થઈ ગયાં છે. મસ્તિષ્ક બાહ્યાવરણ સમય અને સંજોગો જોઈ કયા પ્રકારનો પ્રતિભાવ ઉચિત ગણાશે તે નક્કી કરે છે અને તે મુજબનું વર્તન જોવા મળે છે. માનવીના આક્રમક વર્તનમાં તેનું ‘બોધન’ (cognitive control) મહત્વની ભૂમિકા ભજવે છે. મગજને કે મસ્તિષ્ક બાહ્યાવરણને ઈજા પહોંચી હોય તો વ્યક્તિ પોતાના બોધન પરનું નિયંત્રણ ગુમાવે છે અને આક્રમક વર્તન કરી બેસે છે. યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ(યુ. એસ.)ના ટાવર પરથી આડેધડ ગોળીબાર કરીને 14 જેટલી વ્યક્તિઓને ઠાર કરનાર ચાર્લ્સ વ્હિટમૅનનો કિસ્સો મનોવિજ્ઞાનના સાહિત્યમાં જાણીતો છે. આ વ્યક્તિના પોસ્ટમૉર્ટમ રિપૉર્ટમાં જોવા મળ્યું હતું કે અધશ્ચેતક પાસેના ઍમિગ્ડૅલા નામના પ્રદેશમાં તેને ટ્યૂમર(ગાંઠ) હતું. એવા પણ પુરાવા છે કે બંને બાજુના ઍમિગ્ડૅલા પિંડનું જો ઉચ્છેદન કરવામાં આવે તો ઉગ્ર અને આક્રમક પ્રાણી નમ્ર અને નિષ્ક્રિય બની જાય છે અને જો તે વિભાગનું ઉદ્દીપન કરવામાં આવે તો શાંત અને નમ્ર પ્રાણી ઉગ્ર અને આક્રમક બની જાય છે. અત્યંત આક્રમક વર્તન કરનારી વ્યક્તિઓના કેટલાક કિસ્સાઓમાં એક વધારાનું y-રંગસૂત્ર પણ જોવા મળ્યું છે. કેટલાકમાં, વાઇના દર્દીમાં હોય છે તેવી ઈ. ઈ. જી.(મગજના તરંગોનો ગ્રાફ)ની વિકૃત ભાત પણ જોવા મળે છે. માર્ક અને ઇરવિન(197૦)ના એક અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે જેઓ વારેવારે હિંસક અને આક્રમક વર્તન કરે છે તેઓમાં મજ્જાતંત્રીય ક્ષતિઓ(neurological defects)નું પ્રમાણ વધારે હોય છે. કે, મોયરે (1975) આથી જ આક્રમક વર્તનને નાથવા માટે ‘મસ્તિષ્ક શસ્ત્રક્રિયા (brain surgey)નો ઉપાય સૂચવ્યો છે. આક્રમક વર્તન માટેના જૈવિક આધારના આવા નોંધપાત્ર પુરાવાઓ હોવા છતાં સર્વસાધારણ માનવીઓના આક્રમક વર્તનમાં તો તેમનો કયા પ્રકારના સામાજિક પર્યાવરણમાં ઉછેર થયો છે અને આક્રમક વર્તનના સમયે કઈ પરિસ્થિતિ છે તે બે બાબતો જ વધારે મહત્વની જણાઈ છે.

હતાશા-આક્રમણ પરિકલ્પના : ઈ. સ. 1939માં જે. ડોલાર્ડ, એલ. ડૂબ, એન. મિલર, ઓ. મોવરર અને આર. સિયર્સ નામના અમેરિકાની યેલ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોના એક જૂથે આક્રમક વર્તનની સમજૂતી આપવા માટે એક રસપ્રદ પરિકલ્પનાની રજૂઆત કરી. સમાજવિજ્ઞાનના સાહિત્યમાં આ પરિકલ્પના ‘હતાશા-આક્રમણ સિદ્ધાંત’ તરીકે પ્રસિદ્ધ છે. આ પરિકલ્પનામાં (1) હતાશા આક્રમક વર્તન તરફ દોરી જાય છે અને (2) આક્રમક વર્તન પાછળ હતાશા હંમેશાં કારણરૂપ હોય છે એવું સૂચવવામાં આવ્યું હતું. 1941માં આર. બાર્કર, ટી. ડેમ્બો અને કે. લેવિને કરેલા એક પ્રયોગમાં આ પરિકલ્પનાની પોકળતા બહાર આવી ગઈ. આ વિજ્ઞાનીઓના પ્રયોગમાં ત્રણથી ચાર વર્ષનાં ત્રીસેક જેટલાં બાળકોને એક ઓરડામાં સરસ મઝાનાં રમકડાં સાથે રમવા દીધાં. બીજા દિવસે બાળકોને આ જ ઓરડામાં લાવવામાં આવ્યાં. પરંતુ ઓરડામાં જાળીનું એક પાર્ટિશન એવી રીતે ગોઠવી દેવામાં આવ્યું કે બાળકો રમકડાં જોઈ શકે પરંતુ તેની સાથે રમી શકે નહિ. આ પરિસ્થિતિમાં બાળકો હતાશા અનુભવે એ સ્વાભાવિક છે. આવાં હતાશ થયેલાં બાળકોમાંથી કેટલાંકે આક્રમક વર્તન કર્યું; પરંતુ ત્રીસે ત્રીસ બાળકોમાં આક્રમક વર્તન જોવા મળ્યું નહોતું. હતાશા આક્રમક વર્તન તરફ દોરી જાય છે એ વાત બધા કિસ્સાઓમાં સાચી નથી. હતાશા થાય એટલે માણસ મનસા, વાચા, કર્મણા આક્રમક વર્તન તરફ વળી જતો નથી. હતાશાની પરિસ્થિતિમાં તે ઉદાસીન બને છે, ખિન્નતા અનુભવે છે, દિવાસ્વપ્નોમાં સરી પડે છે, કે પોતાની જાતને વિમુખ પણ કરી લે છે. આ જ રીતે બધા જ આક્રમક વ્યવહારોના મૂળમાં હતાશા હોતી નથી. પંજાબી યુવકો હતાશાને લીધે નહિ પણ ધર્મઝનૂનના લીધે આતંકવાદીઓ બન્યા છે. ડોલાર્ડ અને તેમના સાથીઓની હતાશા-આક્રમણ પરિકલ્પના સરળ, રસપ્રદ અને આકર્ષક છે, પરંતુ યથાર્થ નથી અને તેથી હાલના મનોવૈજ્ઞાનિકો એમાં સુધારો કરીને એમ કહે છે કે (1) હતાશા કેટલીક વાર આક્રમક વર્તન તરફ દોરી જાય છે અને (2) આક્રમક વર્તન પાછળનાં અનેક કારણોમાં હતાશા એક કારણ છે.

આક્રમક વર્તન એક શીખેલા પ્રતિભાવ તરીકે : આક્રમક વર્તનની સમજૂતીમાં ‘સામાજિક શિક્ષણ સિદ્ધાંત’(social learning theory)નું અનોખું સ્થાન છે. આ સિદ્ધાંત દ્વારા એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે આક્રમક વર્તન પણ અન્ય પ્રકારના સામાજિક વર્તનની જેમ એક શીખેલો પ્રતિભાવ જ છે. આક્રમક વર્તન નિરીક્ષણ (observation) અને અનુકરણ (imitation) દ્વારા શિખાય છે અને આ પ્રકારના વર્તનને જેટલા પ્રમાણમાં બદલો, પુરસ્કાર કે પ્રબલન (reward or reinforcement) મળે તેટલા પ્રમાણમાં તે ર્દઢ થાય છે. સામાજિક શિક્ષણ સિદ્ધાંતના પ્રણેતા અને પુરસ્કર્તા આલ્બર્ટ બાન્ડુરાએ (1973) એમ બતાવ્યું છે કે અણગમતા અનુભવો આપણા સૌમાં આવેગશીલ ઉત્તેજના કે ઉશ્કેરાટ પેદા કરે છે. આ આવેગશીલ ઉત્તેજનામાંથી એક પ્રકારની તાણ (tension) જન્મે છે અને આવી તાણની પળે જ વ્યક્તિ આક્રમક વર્તન કરી બેસે છે. ખાસ કરીને ભૂતકાળમાં જે વ્યક્તિઓની તાણ આક્રમક વર્તનથી ઓછી થઈ હોય તેઓ તાણ ઓછી કરવા ફરી એક વાર આક્રમક વર્તનનો આશ્રય લે છે. આક્રમક વર્તનમાં નિરીક્ષણ અને અનુકરણ પણ ભાગ ભજવે છે. એક અભ્યાસમાં પૂર્વ-પ્રાથમિક શાળાનાં બાળકોને પુખ્ત વયની વ્યક્તિઓ એક ફુલાવેલા ઢીંગલા પ્રત્યે કેવા વિવિધ પ્રકારના આક્રમક પ્રતિભાવો કરે છે તે દેખાડવામાં આવ્યું. મોટેરાંઓએ ઢીંગલાને પછાડવાના, ફેંકવાના, લાત મારવાના, હથોડી વડે ટીપવાના એમ જાતજાતના આક્રમક વ્યવહારો કર્યા હતા. આ પછી બાળકોને પણ આ ઢીંગલા સાથે રમવાની તક આપવામાં આવી ત્યારે તેમણે પણ મોટેરાંઓની જેમ જ અદ્દલ એવા જ આક્રમક વ્યવહારો કર્યા હતા. મોટેરાંઓ બાળકોને વર્તનનો નમૂનો (model) પૂરો પાડે છે. માતાપિતા, મિત્રો, સગાંસંબંધીઓ, સિનેમાના નટો અને ટી. વી.ના લોકપ્રિય કલાકારો પાસેથી બાળકો આક્રમક વર્તનના પાઠ ભણે છે. સમૂહ માધ્યમો (mass media) પર દર્શાવાતાં આક્રમક ર્દશ્યોના સામાજિક ગર્ભિતાર્થો પર ધ્યાન નહિ અપાય તો સમાજ વધુ ને વધુ આક્રમક બનતો જશે. અભ્યાસો દર્શાવે છે કે અમેરિકન બાળકો ટી. વી. પરની મારામારી અને ધડાધડની સીરિયલો જોઈ જોઈને વધુ ને વધુ હિંસક અને આક્રમક વર્તન કરતાં થઈ ગયાં છે. એક અભ્યાસમાં 8થી 9 વર્ષનાં 8૦૦ બાળકોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસમાં જોવા મળ્યું કે જે બાળકો હિંસક ર્દશ્યોવાળા કાર્યક્રમો કે ફિલ્મો જોવાનું વધુ પસંદ કરતાં હતાં તેઓ આવા કાર્યક્રમો કે ફિલ્મો પસંદ ન કરનાર બાળકો કરતાં આંતરવૈયક્તિક સંબંધોમાં વધુ આક્રમણખોર હતાં. દશ વર્ષ પછી એમાંથી 4૦૦ બાળકોને આક્રમક મૂલ્યાંકન કસોટી આપતાં જણાયું કે 8-9 વર્ષની વયે જેમણે ટી. વી. પર હિંસક ર્દશ્યો વધુ જોયાં હતાં તેમનામાં 19 વર્ષની વયે પણ આક્રમકતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ હતું. અભ્યાસો એમ પણ બતાવે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ આક્રમકતાનું અનુકરણ ઓછું કરે છે, કારણ કે સમાજમાં છોકરીઓને આક્રમક વર્તન માટે પ્રબલન પૂરું પાડવામાં આવતું નથી.

આક્રમક વર્તન અને સંસ્કૃતિ : માર્ગારેટ મીડ આદિ સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીઓએ દર્શાવ્યું છે કે જે સંસ્કૃતિઓમાં આક્રમક વર્તનને પ્રોત્સાહન આપવામાં આવતું નથી તે સંસ્કૃતિઓમાં આક્રમક વર્તનનું નજીવું પ્રમાણ જોવા મળે છે અને જે સંસ્કૃતિઓમાં આક્રમક વર્તનને પ્રોત્સાહન આપવામાં આવે છે તે સંસ્કૃતિઓમાં મોટા પ્રમાણમાં આક્રમક વર્તનો જોવા મળે છે. પ્રશાંત મહાસાગરના ન્યૂગિની ટાપુ પરના આરપેશ લોકો સ્વભાવે શાંત અને સૌમ્ય છે. તેમનામાં મહત્વાકાંક્ષા જેવું ખાસ કંઈ જોવા મળતું નથી. નેતાપદ માટે પણ કોઈ પડાપડી કરતું નથી. તેમની સંસ્કૃતિમાં આક્રમક વર્તનને યોગ્ય વર્તન ગણવામાં આવતું નથી. આથી આરપેશ પ્રજામાં આક્રમક વર્તનનું પ્રમાણ નહિવત્ છે, જ્યારે આ જ ટાપુ પરની મુન્ડુગોમર પ્રજા ‘વેરની વસૂલાત’માં માનનારી છે. આ પ્રજામાં પુરુષો તો શું, સ્ત્રીઓ પણ મૃદુ કે કોમળ સ્વભાવની નથી. મુન્ડુગોમરની સંસ્કૃતિમાં આક્રમક વર્તનને સતત પ્રોત્સાહન મળે છે. ગુજરાતના પાસે પાસે આવેલા બે જિલ્લા સાબરકાંઠા અને મહેસાણા વચ્ચે કેવળ સાબરમતી નદી જ છે; છતાં સાબરકાંઠાના લોકો પ્રમાણમાં સૌમ્ય અને શાંત છે, જ્યારે મહેસાણા જિલ્લાના લોકો મુકાબલે ઉગ્ર અને આક્રમક લાગે. આ બે જિલ્લાઓની પેટા-સંસ્કૃતિ વચ્ચેનો તફાવત એનું કારણ હોય એ સંભવિત છે.

આક્રમક વર્તનને માટે જવાબદાર ઉપર્યુક્ત ઘટકો ઉપરાંત અસહ્ય ગરમી, અત્યંત શારીરિક ઉત્તેજના, ત્રાસજનક ઘોંઘાટ, મતિભ્રમ (delusion), ભીડ અને અંધારા જેવા ઘટકો માનવીના આક્રમક વર્તનને વધારે એવા પુરાવાઓ પણ મળ્યા છે. વ્યામોહ (paranoia) નામની તીવ્ર માનસિક વિકૃતિનો ભોગ બનેલ શાળાના એક આચાર્યે ત્રાસના મતિભ્રમ (delusion of persecution)થી પ્રેરાઈને શાળાના બૉર્ડના સાતેય સભ્યોને ગોળીથી ઉડાવી દીધા. આચાર્યમાં એવી ભ્રાંત માન્યતા ર્દઢ થયેલી હતી કે શાળાના બૉર્ડના સભ્યો પોતાના દુશ્મન છે અને પોતાને હેરાન કરવા કાવતરું કરી રહ્યા છે. શારીરિક અને શાબ્દિક હુમલાઓથી પણ આક્રમક વર્તનનું પ્રમાણ વધે છે. સામા જૂથની વ્યક્તિઓ કોઈક રીતે પોતાને કે પોતાના જૂથને ઈજા કે હાનિ પહોંચાડવાની છે એવા અંદેશાને કારણે પણ વ્યક્તિઓ આક્રમક વર્તન કરી બેસે છે. આક્રમક વ્યવહાર આક્રમક વર્તનને જન્મ આપે છે (aggression breeds aggression). એરિક ફ્રૉમ એમ માને છે કે આધુનિક સમાજમાં થતાં શોષણો અને વ્યક્તિનો સાધન તરીકે થતો ઉપયોગ વ્યક્તિને આક્રમક બનાવે છે. એ રીતે આક્રમક વર્તનનાં ઉદગમસ્થાનો અનેક છે અને ભિન્ન ભિન્ન પ્રકારની પરિસ્થિતિઓની તેના પર અસરો થાય છે.

આક્રમક વર્તનનું નિયમન : આક્રમક વર્તનના નિયમન માટે (1) ભાવવિરેચન (catharsis) અને (2) સજા કે સજાની ધમકીની પ્રયુક્તિઓ પ્રચલિત છે. આક્રમક વૃત્તિઓ પ્રમાણમાં ઓછી હાનિકારક રીતે અભિવ્યક્ત થાય તો તેને ભાવવિરેચન કહેવામાં આવે છે. જેમ કે રમતના મેદાનમાં કે મુક્કાબાજીની રિંગમાં ખેલાડીઓને આક્રમક વૃત્તિઓ વ્યક્ત કરવાની તક મળે છે. એક વખત આવેગનો ઊભરો ઠાલવવાની તક મળી જાય એટલે ભાવવિરેચન થાય છે. ભાવવિરેચનના કારણે આક્રમક વર્તન ઘટી જાય છે, એવી માન્યતા જનસમુદાયમાં અને કેટલાક વૈજ્ઞાનિકોમાં પણ જોવા મળે છે. પરંતુ આ બાબતનાં જે પ્રાયોગિક અધ્યયનો થયાં છે તેમાંનાં કેટલાંકમાં વિરુદ્ધ પુરાવાઓ પણ મળ્યા છે. આક્રમક વર્તન વ્યક્ત કરવાની તક મળે તો તેથી આક્રમક વર્તન ઘટતું નથી, ઊલટું વ્યક્તિ વધુ આક્રમક વર્તન કરવા પ્રેરાય છે. સજા કે સજાની ધમકીથી આક્રમક વર્તનનું નિયમન થાય છે તે ખ્યાલ અનેક પ્રસંગોમાં ખોટો પુરવાર થયો છે. શિસ્તના કડક કોરડાથી થોડા સમય પૂરતો ફેર જણાય, પરંતુ આક્રમક વર્તનની અયોગ્યતા વિશેની વિવેકબુદ્ધિ વ્યક્તિમાં ઊગે નહિ ત્યાં સુધી શિસ્તનો કે સજાનો કોરડો કેવળ બાહ્યોપચાર બની રહે છે.

આક્રમક વર્તનના નિયમન માટે વિસંવાદી પ્રતિભાવો(incompatible responses)ની પ્રયુક્તિનો ઉપયોગ કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે. આપણામાં કહેવત છે કે ‘હસવું અને લોટ ફાકવો’ એ બે બાબતો સાથે બની શકે નહિ, કારણ આ બે પ્રવૃત્તિઓ સંવાદી નહિ પણ વિસંવાદી છે. આ જ રીતે આક્રમક વર્તનનું નિયમન કરવા માટે તેનાથી વિસંવાદી હોય તેવી કોઈ પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. જેમ કે આક્રમક વર્તનની પરિસ્થિતિમાં તેનાથી વિસંવાદી એવી રમૂજ, વિનોદ કે હાસ્યની સ્થિતિ ઉત્પન્ન કરીએ તો આક્રમક વર્તનની માત્રામાં ઘટાડો કરી શકાય. ચારે બાજુ તનાવ (tension) હોય તેવા નાજુક સમયે એક નાનકડી સમયોચિત રમૂજ પણ વાતાવરણને હળવું બનાવી શકે છે. દ. આફ્રિકાના ગોરાઓ ગાંધીજી પર ગુસ્સે થયા હતા તે વખતે સુપરિન્ટેન્ડન્ટ ઍલેક્ઝાંડરે ટોળાને ‘ચાલો, આપણે ગાંધીને પેલા આમલીના ઝાડે ફાંસીએ લટકાવીએ’ એવી મતલબનું ગીત ગવડાવીને ગાંધીજીને સહીસલામત સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા હતા. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ પ્રસંગ સુંદર રીતે વર્ણવ્યો છે. સુપરિન્ટેન્ડન્ટ ઍલેક્ઝાંડરે વિનોદથી ટોળાને વશ રાખ્યું હતું. વિનોદ અને મનોરંજન આક્રમક વર્તનનાં મારણો છે, જો એનો કુશળતાપૂર્વક ઉપયોગ કરતાં આવડે તો.

મનોવૈજ્ઞાનિકો માને છે કે બાળકો હોય કે મોટેરાંઓ કેટલીક વાર તો પોતાના તરફ ધ્યાન ખેંચાય માટે જ આક્રમક વર્તન કરતાં હોય છે. પોતાના તરફ લોકોનું ધ્યાન ખેંચાય એ જ એમને મન મોટો પુરસ્કાર હોય છે. હવે આક્રમક વર્તનને જે રીતે પુરસ્કાર મળે છે તેવી રીતે ‘બિનઆક્રમક વર્તન’ને પણ પુરસ્કાર મળવાનું શરૂ થાય તો લોકો આક્રમક વર્તનને બદલે બિનઆક્રમક વર્તનનો આશ્રય લેતા થાય. બીજા શબ્દોમાં, આક્રમક વર્તનને પ્રબલન મળે છે માટે આક્રમક વર્તન થાય છે તો બિનઆક્રમક વર્તનને પ્રબલન મળે તો બિનઆક્રમક વર્તન થાય. પ્રૉલ બ્રાઉન અને રોજર ઇલીટે (1965) શિશુશાળામાં આ પરિકલ્પનાની ચકાસણી કરી જોઈ છે. શાળાના શિક્ષકોને બાળકો જો આક્રમક વર્તન કરે તો તેની અવગણના કરવાનું અને પરસ્પર સહકારનું વિધાયક વર્તન કરે તો તેના પર ખાસ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું. આને લીધે થોડાંક જ અઠવાડિયાંમાં વર્ગમાં બાળકોના આક્રમક વર્તનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.

જોએલ ડવીટ્ઝ (1952) નામના અભ્યાસીએ બતાવ્યું છે કે જો બાળકોને ‘રચનાત્મક વર્તન’ માટે પુરસ્કૃત કર્યાં હોય તો હતાશાની પળોમાં પણ તેઓ આક્રમક વર્તન કરતાં નથી. રમતમાં કે જીવનમાં જીતવું એ એક બાબત છે; પરંતુ જીતવું એ સર્વસ્વ નથી. પરસ્પર સમભાવ, સહાનુભૂતિ અને એકબીજાં પ્રત્યેની સહિષ્ણુતાના વર્તનના નમૂનાઓ બાળકોને જોવા મળે તો આક્રમક વર્તન ઘટવાની સંભાવના છે. પરંતુ ચારે બાજુ સત્તા અને સંપત્તિ, ધન અને પદ માટેની ગળાકાપ હરીફાઈ ચાલતી હોય અને બાળકો, કિશોરો અને નવી પેઢીને આ જ વર્તનનમૂનાઓ જોવા મળતા હોય તો આક્રમક વર્તન ઘટવાની આશા રાખવી વ્યર્થ છે.

નટવરલાલ શાહ

No comments:

Post a Comment