Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

22 June 2022

વિભ્રમ (અં. hallucination)

વિભ્રમ (અં. hallucination)

વિભ્રમ (અં. hallucination) : માત્ર વિચારની કક્ષાએ અનુભવાતી વસ્તુઓ કે ઘટનાઓને ખરેખરી વસ્તુ કે ઘટના તરીકે સ્વીકારી લેવાની ભૂલભરેલી જ્ઞાનાત્મક ક્રિયા. જેને માટે કોઈ બંધબેસતા બાહ્ય ઉદ્દીપનનો આધાર હોતો નથી એવું ખોટું પ્રત્યક્ષ જ્ઞાન; દા.ત., વાતાવરણ તદ્દન શાંત હોવા છતાં અવાજો ‘સાંભળવા’, જે ખરેખર હાજર જ નથી એવી વસ્તુઓ કે ઘટનાઓ ‘જોવી’, કે ચામડી સાથે કોઈ પણ વસ્તુનો પ્રત્યક્ષ સંપર્ક થયા વગર જ ‘સ્પર્શ’ અનુભવવો, વગેરે. વિભ્રમમાં અનુભવાતું જ્ઞાન વાસ્તવિક પરિસ્થિતિમાંથી નહિ પણ વ્યક્તિના મનમાંથી ઉદ્ભવેલું હોય છે.


મોટાભાગના વિભ્રમો માનસિક રીતે વિકૃત વ્યક્તિઓને થાય છે, પણ કદી કદી માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ પણ વિભ્રમ અનુભવે છે.

વિભ્રમની અવસ્થા થોડી મિનિટોથી માંડીને કેટલાંક સપ્તાહો સુધી ટકે છે. વિભ્રમિત વ્યક્તિ જે અનુભવે છે તેને સાચું માનીને તેના સંબંધમાં ક્રિયા પણ કરે છે; દા.ત., (1) વ્યક્તિને સામેની ભીંતમાંથી કોઈ માણસ છરો લઈને આવતો દેખાય એટલે તે ચીસ પાડી ઊઠે છે; તેને એ માણસનો (કલ્પિત) હુકમ સંભળાય એટલે કબાટની ચાવી લાવીને તેને આપતો હોય એમ આગળ ધરે છે. (2) ભૂતકાળમાં કોઈનું ખૂન કરનાર વ્યક્તિને (ખરેખર ચોખ્ખા હોવા છતાં) પોતાના હાથ લોહીથી ખરડાયેલા દેખાય છે. તેથી એ ‘ડાઘા’ને કાઢી નાખવા માટે વારંવાર પોતાના હાથ ધોયા કરે છે.

વિભ્રમનો અનુભવ ભ્રમ (અં. ઇલ્યૂઝન) કરતાં જુદો હોય છે. બાહ્ય જગતમાં વસ્તુ ખરેખર હાજર હોય, પણ તેનું સ્વરૂપ ઓળખવામાં જે ભૂલ થાય એને ભ્રમ કહે છે; દા.ત., જમીન પર ગૂંચળું વળીને પડેલા દોરડાને સાપ તરીકે જોવો, કે ઍલ્યુમિનિયમના ગોળ ચળકતા ટુકડાને રૂપિયાના સિક્કા રૂપે જોવો એ ભ્રમ છે. વિભ્રમમાં તો બહારના પર્યાવરણમાં તે વસ્તુ, કે તેના જેવી બીજી કોઈ વસ્તુ પણ હાજર હોતી જ નથી, છતાં ‘તે વસ્તુ હાજર છે’ એવો વ્યક્તિને અનુભવ થાય છે.

વિભ્રમો અનેક પ્રકારના થાય છે. અવાસ્તવિક દૃશ્યોનો વિભ્રમ, ધ્વનિતરંગની ગેરહાજરીમાં અવાજ સંભળાવાનો વિભ્રમ કે ખરેખર જેનું અસ્તિત્વ નથી એવા ગંધ, સ્વાદ કે સ્પર્શના અનુભવનો વિભ્રમ. કેટલાક વિભ્રમો અસ્પષ્ટ હોય છે; જેમ કે, ‘રાતે મને ભૂત જેવું કંઈક દેખાયું.’ (વ્યક્તિ તેનાં કદ, આકાર કે દેખાવ વિશે કોઈ વિગત આપી શકતી નથી.) બીજા વિભ્રમો વિગતથી ભરપૂર હોય છે, જેમાં દેખાયેલી વસ્તુનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. કેટલાક વિભ્રમોમાં વ્યક્તિને પોતાની ટીકા કરતા કે પોતાને ધમકાવતા અવાજો સંભળાય છે. કેટલાક વિભ્રમોમાં તે પોતાના ઉપર ગુનાનો આરોપ મૂકતા, તો બીજા વિભ્રમોમાં તે પોતાને કોઈ ક્રિયા કરવાના આદેશરૂપ અવાજો સાંભળે છે. મોટાભાગના વિભ્રમો દુ:ખદ અને ત્રાસદાયક હોય છે; પણ અપવાદ રૂપે કેટલાક વિભ્રમોમાં વ્યક્તિ રાહત, આરામ કે પોતાની ઇચ્છાઓનો સંતોષ પણ અનુભવે છે.

વિભ્રમ થવાનાં વિવિધ કારણો હોય છે. 

શારીરિક કારણોમાં સંવેદનવંચિતતા, થાક, મદ્યપાનનો નશો કે એલ.એસ.ડી. કે મેસ્કેલાઇન જેવા નશીલા પદાર્થોના સેવનનો સમાવેશ થાય છે. કૅનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં થયેલા પ્રયોગો સૂચવે છે કે દિવસોના દિવસો સુધી જે માણસની જ્ઞાનેન્દ્રિયોને કોઈ નોંધપાત્ર ઉદ્દીપન ન મળે તેને વિભ્રમો થાય છે. મોટા મસ્તિષ્કના સંવેદક વિસ્તારમાં ગાંઠ કે સિફિલિસજન્ય બીજી વિકૃતિ ઊપજવાને લીધે પણ વિભ્રમ થાય છે. ટાઇફૉઇડ, યુરેમિયા, ન્યૂમોનિયા, ડિપ્થેરિયા કે પર્નિશિયસ એનિમિયા જેવા દૈહિક રોગોના કેટલાક કિસ્સાઓમાં પણ વિષજન્ય વિભ્રમો થાય છે. મોં વાટે ઝેરી ધાતુનાં સંયોજનો પેટમાં જવાથી કે ઝેરી વાયુઓ ફેફસાંમાં જવાથી પણ વિભ્રમ થઈ શકે. વૃદ્ધત્વ અંગેની મનોવિકૃતિના કેટલાક દાખલામાં વિભ્રમો નોંધાયા છે.

માનસિક કારણો : જે માણસને કલ્પનાના તરંગોમાં જ રાચવાની અને આખો દિવસ દીવાસ્વપ્નો જોવાની ટેવ પડી ગઈ હોય તેને વિભ્રમો થાય છે. સ્વપ્નાવસ્થા દરમિયાન (ઊંઘમાં) કલ્પનાના તરંગો ઉપર વિવેકબુદ્ધિનું નિયંત્રણ ન હોવાથી ઘણાં સ્વસ્થ લોકોને પણ વિભ્રમ થાય છે. ઇચ્છાપૂરક વિચારોનો અતિરેક કરવાથી પણ વિભ્રમ ઊપજે છે. પ્રક્ષેપણ જેવી બચાવ-પ્રયુક્તિઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી વિભ્રમ થાય છે. તીવ્ર આવેગોમાંથી ઊપજતી વ્યાકુળતાને લીધે પણ વિભ્રમો થાય છે. દમન કરવા છતાં પોતાની તીવ્ર જાતીય ઇચ્છા વિસ્ફોટ રૂપે પ્રગટ થઈ જશે એવો ભય અનુભવતી વ્યક્તિ પણ વિભ્રમનો ભોગ બને છે. પોતે કરેલા અપરાધની લાગણી અસહ્ય બને ત્યારે પણ વિભ્રમ થાય છે. વિભ્રમો એ છિન્ન વ્યક્તિત્વ કે ઉન્મત્ત-ખિન્ન મનોવિકૃતિ જેવા માનસિક રોગોનું એક અગત્યનું લક્ષણ છે.

કેટલાક વિભ્રમિત માણસો તીવ્ર ઉદ્વેગને કારણે બીજાઓ ઉપર અથવા પોતાની જાત ઉપર પણ હુમલો કરી ઈજા કરી બેસે છે. વિભ્રમ દરમિયાન તેને પોતે ચોક્કસ કઈ જગ્યાએ છે, અને તે વખતે કેટલો સમય થયો છે તેનું ભાન રહેતું નથી. કેટલીક વિભ્રમિત વ્યક્તિઓને પોતાનો આત્મા શરીરમાંથી બહાર નીકળતો હોય એવો અનુભવ પણ થાય છે.

મોટાભાગના વિભ્રમના દર્દીઓની સફળ સારવાર રેસપોઇન અને ક્લોરપ્રોમેઝીન જેવાં ઔષધો વડે થાય છે. એના નિયમિત ઉપયોગથી આશરે 15 દિવસમાં વિભ્રમો કાબૂમાં આવી જાય છે.

ચન્દ્રાંશુ ભાલચંદ્ર દવે

No comments:

Post a Comment