Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

16 May 2024

કંટાળો (boredom)

કંટાળો (boredom)



કંટાળો (boredom) : એક પ્રકારની માનસિક સ્થિતિ. વ્યક્તિને જે કામ ચાલુ રાખવા અથવા પૂરું કરવા માટે ફરજ પાડવામાં આવે તેમાંથી ઉત્પન્ન થતી વૃત્તિ તે કંટાળો. કોઈ પણ કામ કરવાનું આજે ગમે, તે કરવામાં કાલે કંટાળો પણ ઊપજે. કામ બધા જ માણસોને એકસરખું કંટાળાજનક ન પણ લાગે. કંટાળાની લાગણી કામ વાસ્તવિક રૂપમાં કેવું છે તે ઉપર નહિ, પરંતુ વ્યક્તિને કેવું લાગે છે તેના ઉપર આધાર રાખે છે. કંટાળો એ વ્યક્તિનું લક્ષણ છે, કાર્યનું નહિ.

કોઈ કામ પુન: પુન: એકધારું કરવું પડે તેના પરિણામે ઉત્પન્ન થતી એકવિધતા(monotony)ની માનસિક સ્થિતિ અને કંટાળો બંને એક નથી. એકવિધતાના અનુભવમાં કાર્ય પ્રત્યે અણગમો હોવાનો ભાવ સંકળાયેલો નથી, જ્યારે કંટાળામાં વ્યક્તિના કાર્ય પ્રત્યેના પ્રતિકૂળ વલણ તેમજ કાર્ય પ્રત્યેના અણગમાનો સમાવેશ થાય છે. એકવિધતાનો અતિરેક પણ કંટાળામાં પરિણમે.

કાર્ય કરવાથી થાક લાગે છે, કાર્ય કરવામાં કંટાળો પણ ઊપજે છે. બંનેનાં પરિણામોમાં કાર્ય-ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. પરંતુ મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ થાક અને કંટાળા વચ્ચે તફાવત છે. જે કામ કરવાથી કંટાળો ઊપજતો હોય તેને બદલીને બીજું કામ કરવાથી કંટાળો દૂર થાય; પરંતુ કામ બદલવાથી થાક દૂર થતો નથી. કંટાળો કાર્યમાં પરિવર્તન લાવવા માટેની ઇચ્છાનું પ્રતિબિંબ છે, કામ કરવામાંથી છૂટવા માટેનું નહિ. કંટાળાથી માનસિક વ્યગ્રતા, અસુખ, અજંપો પ્રગટે છે અને તેથી કાર્યઉત્પાદનના વક્રમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે અને ઉત્પાદન ઘટે છે; જ્યારે થાકમાં કાર્યશક્તિમાં ઘટાડો થાય છે, પરિણામે ઉત્પાદનનો આંક એકસરખી રીતે નીચે ઊતરતો જાય છે. કંટાળો આવે ત્યારે વ્યક્તિને કામ કરવામાં અરુચિ તથા ઉત્સાહનો અભાવ ઊપજે છે, ચહેરા ઉપર ભાતભાતનાં પરિવર્તનો દેખાય છે, વારંવાર શરીરનાં આસનો બદલાય છે અને જરાક બહાનું મળતાં માણસ કામ છોડવા તૈયાર થઈ જાય છે. કંટાળો ઊપજવાથી કામમાં ધ્યાન ચંચળ બને છે, તેથી ભૂલોનું પ્રમાણ અને અકસ્માતનું પ્રમાણ પણ વધે છે. કંટાળાજનક પ્રવૃત્તિ કરવામાં વ્યક્તિનો સમયનો અંદાજ પણ વધી જાય છે.

કામ કરવામાં કર્મચારીને દિવાસ્વપ્નોમાં રાચવાની સરળતા વધારે, તેમ તેને કંટાળાનું ભાન ઓછું લાગે છે. અલબત્ત, આવી રીતે દિવાસ્વપ્નોમાં રાચવાની ટેવની પ્રતિકૂળ અસર વ્યક્તિના માનસ અને વ્યક્તિત્વ ઉપર થાય છે. કંટાળો આત્યંતિક રૂપ ધારણ કરે ત્યારે નિરાશાથી માંડીને અજંપો, વિરોધ અને ચિત્તભ્રમ જેવાં વર્તનલક્ષણો પ્રગટાવે છે અને ઘણી વાર તે ગુનાખોરી, આપઘાત, લગ્નભંગ જેવી સામાજિક સમસ્યાઓ માટે જવાબદાર બને છે.

જે કાર્યો વ્યક્તિની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિને અનુકૂળ હોય, તે માટે અભિરુચિ હોય, કાર્યસાથીઓનું જૂથ ને કાર્યસ્થળનું વાતાવરણ સાનુકૂળ હોય, કાર્યને વૈવિધ્યપૂર્ણ અને લયબદ્ધ બનાવવામાં આવે, કાર્યપદ્ધતિમાં પરિવર્તનોને સ્થાન હોય, કાર્યાવધિમાં વચમાં વિશ્રાંતિનો સમય રાખવામાં આવે, કાર્યને અર્થપૂર્ણ વિભાગોમાં વહેંચી ટુકડે ટુકડે કરવામાં આવે તેમજ કાર્ય વ્યક્તિને હેતુલક્ષી, ધ્યેયલક્ષી લાગે તો કંટાળો કે અરુચિ ઊપજવાનું પ્રમાણ ઘટે છે.

ભાનુપ્રસાદ અ. પરીખ

11 May 2024

ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...2024

 ધોરણ: -૧૦  બોર્ડ પરીક્ષાનું પરિણામ...2024

ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 


                  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: - ૧૦ (એસ.એસ.સી.) અને સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  11/05/2024 નાં રોજ શનિવારે સવાર 8.00 કલાકે  બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે.વિદ્યાર્થીઓ WhatsApp Number  ૬૩૫૭૩૦૦૯૭૧  પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.




ઓફિસિયલ નોટિફિકેશન








 ધોરણ: -૧૦  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "

                                                            - ડો.જીજ્ઞેશ વેગડ

10 May 2024

રૉબર્ટ એસ. વૂડવર્થ

રૉબર્ટ એસ. વૂડવર્થ

વૂડવર્થ, રૉબર્ટ એસ. (જ. 17 ઑક્ટોબર 1869, બેલચરટાઉન, મૅસેચ્યુસેટ્સ, અમેરિકા; અ. 4 જુલાઈ 1962, ન્યૂયૉર્ક) : વિશ્વપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક. પ્રાયોગિક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં એક પ્રતિભાશાળી સંશોધક, સંયોજક તરીકે તેમની લાંબી કારકિર્દી હતી. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં થયેલા અનેક સંશોધનલેખો ખંત, ચીવટ અને પ્રમાણભૂત માહિતીથી તૈયાર કરી તેમણે મનોવિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમણે પ્રારંભિક શિક્ષણ બેલચર ટાઉનમાં અને ઉચ્ચ શિક્ષણ શિકાગોમાં આવેલી હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું. આ જ યુનિવર્સિટીમાંથી તેમણે ઈ. સ. 1897માં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન વિષયમાં એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને ત્યાંના જ પ્રાધ્યાપક જે. એમ. કેટલના માર્ગદર્શન હેઠળ ‘ધી એક્યુરસી ઑવ્ વૉલન્ટરી મૂવમેન્ટ’ વિષયમાં મહાનિબંધ લખી પીએચ.ડી.ની પદવી ઈ. સ. 1899માં મેળવી. અહીં જ તેમણે એફ. બૉસના માર્ગદર્શન હેઠળ મનોવિજ્ઞાનના અભ્યાસમાં સહાયરૂપ જરૂરી માનવનૃવંશશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ પણ કર્યો. માનવવર્તનની સમજૂતી મેળવવા શરીરવિજ્ઞાનનું જ્ઞાન જરૂરી લાગવાથી ન્યૂયૉર્કમાં રહી એફ. બૉવ્ડિચના માર્ગદર્શન હેઠળ શરીરવિજ્ઞાનનો પણ અભ્યાસ કર્યો. આમ, તેમણે જરૂરી સંબંધિત વિદ્યાઓનો અભ્યાસ કરી પોતાના જ્ઞાનનું વિસ્તરણ પણ કર્યું.


ઈ. સ. 1900માં એડિનબર્ગમાં તેમણે શરીર-મનોવૈજ્ઞાનિક શેફર સાથે કામ કર્યું. ત્યાર બાદ 1902માં પ્રખ્યાત શરીર મનોવૈજ્ઞાનિક શેરિંગ્ટનના મદદનીશ તરીકે સેવાઓ આપી. તે સમયે જર્મનીમાં વુઝબર્ગ સંપ્રદાયની બોલબાલા હતી. આ માટે ત્યાંના જાણીતા મનોવૈજ્ઞાનિકોને મળવા 1912માં જર્મનીનો પ્રવાસ ખેડ્યો. બૉનમાં તેઓ મનોવૈજ્ઞાનિક કુલપે(Klpe)ને મળ્યા અને લિપઝિગ યુનિવર્સિટીમાં પ્રોફેસર વિલ્હેમ વુન્ટની પણ તેમણે મુલાકાત લીધી.

ઈ. સ. 1903માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં જે. એમ. કેટલના સહાયક તરીકે જોડાયા અને ત્યાંથી 89 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા.

તેમણે મનોવિજ્ઞાનના વિષયમાં આશરે 400 જેટલા સંશોધનપત્રો અને અનેક ગ્રંથો આપ્યાં છે. તેમણે રચેલા ગ્રંથો આજે પણ દેશવિદેશની વિવિધ યુનિવર્સિટીઓમાં મનોવિજ્ઞાનના આધારગ્રંથ તરીકે સ્થાન પામ્યા છે. 1911માં લેડ જી. ટી. સાથે તેમનું પ્રથમ પુસ્તક ‘એલિમેન્ટસ્ ઑવ્ ફિઝિયૉલૉજિકલ સાઇકૉલોજી’ પ્રગટ થયું હતું. 1918માં તેમનું સ્વતંત્ર પુસ્તક ‘ડાઇનેમિક સાઇકૉલોજી’ અને 1921માં બીજું પુસ્તક, ‘સાઇકૉલોજી : ઇન્ટ્રોડક્ટરી મૅન્યુલ’ પ્રકાશિત થયું, જેની 1947 સુધીમાં પાંચ આવૃત્તિઓ થઈ હતી. 1938માં તેમનું ‘એક્સ્પેરિમેન્ટલ સાઇકૉલોજી’ પ્રકાશિત થયું, જેની પ્રશિષ્ટ સંવર્ધિત આવૃત્તિ શ્ર્લોશબર્ગ હેરોલ્ડની સાથે 1954માં પ્રગટ થઈ. હવે આ પુસ્તકની ભારતીય આવૃત્તિઓ પણ પ્રગટ થઈ છે. તેમનો આ ગ્રંથ પ્રાયોગિક મનોવિજ્ઞાન શીખવતા અધ્યાપકો, સંશોધકો તથા વિદ્યાર્થીઓ માટે આધારગ્રંથ છે.

1950માં તેમણે મનોવિજ્ઞાનના વિવિધ સંપ્રદાયો અને વિચારધારાઓને લક્ષમાં લઈ ‘‘કન્ટેમ્પરરી સ્કૂલ્સ ઑવ્ સાઇકૉલોજી’ નામનો ગ્રંથ રચ્યો; જેની ત્રીજી સંવર્ધિત આવૃત્તિ તેમના અવસાન બાદ તેમની શિષ્યા મેરી શીહન દ્વારા પ્રકાશિત થઈ હતી. 1958માં તેમનો છેલ્લો ગ્રંથ ‘ડાઇનેમિક્સ ઑવ્ બિહેવિયર’ પ્રગટ થયો, ત્યારે તેમની ઉંમર 89 વર્ષની હતી. આ ગ્રંથમાં તેમણે ગતિશીલ મનોવિજ્ઞાનનાં વિશિષ્ટ દૃષ્ટિબિંદુઓ રજૂ કર્યાં છે. તેમના દ્વારા જ કાર્યવાદી વિચારધારામાં ગતિશીલ મનોવિજ્ઞાનનો પ્રવેશ થયો છે. તેમણે રચનાવાદ અને કેટલેક અંશે તો શિકાગોના કાર્યવાદનો વિરોધ કર્યો હતો. તેમના સમયમાં ‘પ્રેરણા’નો અભ્યાસ મનોવિજ્ઞાનમાં કેન્દ્રસ્થાને હતો. ‘માનવીને શું લાગે છે ?’ અથવા ‘તેનું વર્તન કેવું છે ?’ તે વિશેના અભ્યાસ કરતાંયે ‘માનવી અમુક પ્રકારે વર્તન શા માટે કરે છે ?’ તેના મૂળમાં જવાની વાત મહત્વની હતી. તેમણે જ વર્તનની સમજૂતી માટે ઉદ્દીપક-પ્રતિક્રિયાની વચ્ચે રહેલી ખૂટતી કડી પૂરી પાડી હતી. કેવળ ઉદ્દીપક પ્રક્રિયાના યુંગવાદી સૂત્રને સ્થાને તેમણે ઉદ્દીપક-વ્યક્તિ-પ્રતિક્રિયા (ઉ-વ્ય-પ્ર) એ સૂત્ર વર્તનની ઉચિત સમજૂતી માટે આપ્યું.

તેમણે મનોવિજ્ઞાનના દરેક સંપ્રદાયમાંથી ઉત્તમ સારી બાબતો લઈ તેમાં જરૂરી સંશોધનો કરી નવી સંકલ્પનાઓ આધુનિક સ્વરૂપે રજૂ કરી છે. તેઓ કોઈ એક સંપ્રદાયને વળગી રહ્યા નથી. તેમણે ગતિશીલ મનોવિજ્ઞાનને પોષક એવા વર્તનની સમજૂતીનાં પરિબળો શોધ્યાં.

મનોવિજ્ઞાનમાં તેમની અમૂલ્ય સેવાની કદરરૂપે ઈ. સ. 1956માં અમેરિકન સાઇકોલૉજિકલ ફાઉન્ડેશન તરફથી સૌથી પહેલો સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો.

શાંતિલાલ છ. કાનાવાલા

09 May 2024

ધોરણ: -૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ...૨૦૨૪

  ધોરણ: -૧૨ બોર્ડની  પરીક્ષાનું પરિણામ...૨૦૨૪


ધો .૧૨  વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે  ખુબ ખુબ શુભકામનાઓ 



         
                ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક  શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ , ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓની  બોર્ડની પરીક્ષાનું  પરિણામ  ૦૯/૦૫/૨૦૨૪ નાં રોજ ગુરુવારે સવારે ૦૯.૦૦ કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રીઝલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે.વિદ્યાર્થીઓ WhatsApp Number ૬૩૫૭૩૦૦૯૭૧ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. સહુથી પેલા આપ રીઝલ્ટ ઝડપથી  જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.



WhatsApp Number પરિણામ મેળવા અંહી કલીક કરો 


ઓફિસિયલ નોટિફિકેશન 







 ધોરણ: -૧૨  વિદ્યાર્થીઓને  સંદેશ ... 

                  ધોરણ - ૧૨ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી.  દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા  ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે  પોતાની કંપનીમાં નોકરી  માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.


                      દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................

"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
 નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "


                  - ડો.જીજ્ઞેશ વેગડ