Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

13 December 2025

બાળકના મગજ વિશે આ વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય..!

 


બાળકના મગજ વિશે આ વાત તમે ક્યારેય નહીં સાંભળી હોય..!


જેવી રીતે એક કેરીના ગોટલામાં વિશાળ આંબાનું વૃક્ષ થવાની ક્ષમતા છુપાયેલી છે એવી જ રીતે બાળકમાં મહામાનવ બનવાની સઘળી ક્ષમતા છુપાયેલી છે પરંતુ તેના મગજમાં રહેલ એક ખાસ તત્વ વિશે આપણે અજાણ છીએ..!


બાળકના મગજ અને તેને શીખવવાની ઉંમર વિશે જાણવું ખૂબ આવશ્યક છે. બાળકની માનસિક ક્ષમતા અને તેની શીખવાની ઉંમર વિશે આજે તમને સંશોધન આધારિત નક્કર વાત કહેવી છે. જે કદાચ આજ સુધીમાં તમે ક્યારેય સાંભળી નહીં હોય..! ન્યુરોસર્જન અને મનોવૈજ્ઞાનિકોએ અનેક સંશોધનો પછી ખૂબ અગત્યની જાણકારી મેળવી છે કે, આપણા મગજની સપાટી પર એક ભુખરા રંગનું જાડું સ્તર આવેલું છે. જેને કોર્ટેક્સ કહેવાય છે. જેમાં કરોડો નર્વસેલનો સમાવેશ થાય છે. જ્ઞાનતંતુ મારફતે આ કોર્ટેક્સને અસંખ્ય સંદેશા પ્રાપ્ત થતા હોય છે. મનુષ્યમાં બધા જ પ્રાણીઓ કરતાં સૌથી વધારે પ્રમાણમાં કોર્ટેક્સ હોય છે. જીવનની પ્રારંભિક અવસ્થામાં જ આ કોટેક્સ ખૂબ જ લવચિક હોય છે. ઉંમર વધતા તેની લવચીતા ઘટતી જાય છે. બાળક જે કંઈ સાંભળે, જુએ, અનુભવે તેની છાપ કોર્ટેક્સમાં અંકિત થતી રહે છે. ઘણીવાર યાદ કરવા છતાં યાદ ના આવે, પરંતુ ક્યારેક અચાનક એ બાબત સાંભરી આવે છે. જેનું કારણ આ કોર્ટેક્સ છે. તમને પણ ક્યારેક તો આવું બન્યું હશે..!


બાળપણના આ સમયમાં મળતા અનુભવોથી શિક્ષણનો પાયો મજબૂત બને છે. કોટેક્સની સૌથી મહત્વની કામગીરી યાદશક્તિ, શબ્દોનો ઉપયોગ, અનુભવોને યાદ રાખવા અને અર્થોને તારવવાનો હોય છે. એટલે જ બાળપણમાં ઘરે બોલાતા શબ્દો એટલા દ્રઢ થઈ જાય છે કે મોટા થઈને પણ એવું જ બોલાય છે. સંશોધનો જણાવે છે કે, શાળાએ જતા પહેલા ઉચ્ચારની ટેવ સુધારી શકાય છે. ત્રીજા ચોથા ધોરણ પછી એ સુધારવું અઘરું બને છે. બાળકને ત્રણથી પાંચ વર્ષની ઉંમરે મળતા શૈક્ષણિક અનુભવો ચીરકાળ માટે જીવંત બની રહે છે માટે આ સમયે ઘરમાં તથા શાળામાં મહત્તમ જીવનલક્ષી અનુભવો આપવા રહ્યા..!


ઘેટાના બચ્ચા પર થયેલા સંશોધન મુજબ, જન્મના અમુક સમય સુધી તેને ટોળાથી દૂર રાખવામાં આવે તો પછી ક્યારેય તે ટોળાની પાછળ પાછળ જતું નથી. એવું જ બાળકના મગજ માટે છે. એક ચોક્કસ ઉંમરે મગજની શીખવાની જે ઉત્તેજના હોય છે તે મોટી વયે રહેતી નથી. કદાચ એટલે જ આપણે ત્યાં કહેવત પડી હશે કે, પાકા ઘડે કાંઠા ન ચડે..!


બાળકના મગજની શીખવાની આ અવસ્થામાં જો માતા-પિતા લાપરવાહ રહે તો બાળક આજીવન નક્કર શીખી શકતું નથી. ઉદાહરણ તરીકે જોઈએ તો, લગભગ છ મહિનાની ઉંમરે બાળક ચાવવાની શરૂઆત કરે છે. જો આ સમયે તેને બિનપ્રવાહી ખોરાક ન આપવામાં આવે તો પછીથી બાળક ચાવવા માટે તકલીફ લેતું નથી. બાળકને વાંચવા તથા લખવાનો ગ્રાહ્યગાળો ચારથી પાંચ વર્ષનો હોય છે. આ ઉંમરે ખૂબ હોશે હોશે તે વાર્તા સાંભળે છે. જાતજાતની માંગણીઓ કરે છે. તમે વાર્તા કહેતા થાકશો પરંતુ એ સાંભળતા નહીં થાકે. તમારી વાર્તા કહેવામાં ભૂલ થશે તો પણ બાળક સુધારશે. તેને શબ્દે શબ્દ યાદ રહી ગયું હશે.


બાળક અઢીથી ત્રણ વર્ષની વય આસપાસ વ્યવસ્થિતતાનું મૂલ્ય સમજતો થાય છે. પોતાની વસ્તુ ચોક્કસ જગ્યાએ જ મુકતા શીખશે. મમ્મીના અમુક કપડાં જ તેને ગમશે. પોતાનું રમકડું સાથે લઈને સુશે. પોતાના જ કપમાં દૂધ પીશે. માતા-પિતાને આ બધું ત્રાસદાયક લાગે. બાળક બહુ જીદ કરે છે તેવું લાગે, પરંતુ આ સમયે બાળક ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે જે ગ્રહણ કરે છે તેના પરથી ચોક્કસ તેના ખ્યાલો આજીવન માટે બંધાતા હોય છે. શું તમારા બાળકની આ અવસ્થા નો લાભ આજ સુધી તમે નથી લીધો ? તો આજથી જ બાળકનું સૂક્ષ્મ નિરીક્ષણ કરો. તેની શીખવાની તીવ્રતાના સમયે ઉત્તમ શિક્ષણ આપો. વાર્તા કહો. ભાષા શીખવો. પ્રકૃતિ વર્ણન કરો. આવું કરવાથી બાળકના મગજનો યોગ્ય દિશામાં, યોગ્ય સમયે વિકાસ થશે અને તે જીવનભર તેના ઘડતરનો પાયો બની રહેશે..!


શીખવા જેવું : બાળકના જીવનની વસંતમાં થયેલી યોગ્ય માવજતના ફળ આજીવન મળતા રહે છે. આ માટે જરૂર છે યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાતરપાણી આપવાની..!