Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

05 July 2021

ઇન્ટરનેટ...મગજ...સ્મરણશક્તિ...એકાગ્રતા...

ઈન્ટરનેટનો વધુ ઉપયોગ મગજ માટે નુકસાનકારક, સ્મરણશક્તિ અને એકગ્રતામાં ઉણપનું કારણ : રિપોર્ટ

મેલબર્ન: ઈન્ટરનેટના વધુ ઉપયોગથી આપણા મગજમાં પરિવર્તન આવી શકે છે. તેનાથી ધ્યાન, સ્મરણશક્તિ અને સામાજિક સંપર્ક પર અસર થઈ શકે છે. આ જાણકારી ઓસ્ટ્રેલિયામાં થયેલા એક અભ્યાસમાં સામે આવી છે. વર્લ્ડ સાઈકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત સંશોધન પ્રમાણે, ઈન્ટરનેટ જ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રોમાં તીવ્ર અને લાંબાગાળાનું પરિવર્તન કરી શકે છે.


બ્રિટનની ઓક્સફોર્ડ અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ મુખ્ય અવધારણાઓને ચકાસી કે ઈન્ટરનેટ કેવી સંજ્ઞાનાત્મક પ્રક્રિયાઓને બદલી શકે છે. આ સંશોધન મનોવૈજ્ઞાનિક, મનોચિકિત્સા અને ન્યૂરોઈમેજિંગ શોધના તાજેતરના નિષ્કર્ષોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના સિનિયર રિસર્ચ ફેલો જોસેફ ફર્થે કહ્યુ છે કે આ રિપોર્ટમાં મુખ્યત્વે એ વાત સામે આવી છે કે ઈન્ટરનેટના વધારે ઉપયોગથી મગજના ઘણાં હિસ્સા અસરગ્રસ્ત થઈ શકે છે. ઉદાહરણ તરીકે સતત ઈન્ટરનેટના ઉપયોગથી નોટિફિકેશન અને માહિતી આપણું ધ્યાન તેના તરફ લગાવવા માટે પ્રેરીત કરે છે. તેનાથી કોઈ એક કામ પર ધ્યાન લગાવવાની ક્ષમતા અસરગ્રસ્ત થાય છે.

રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ મગજની સંરચના, કાર્ય અને સંજ્ઞાનાત્મક વિકાસને કેવી રીતે અસરગ્રસ્ત કરી શકે છે. તાજેતરના સમયમાં સોશયલ મીડિયા સાથે આ ઓનલાઈન તકનીકોને વ્યાપક રૂપથી અપનાવું શિક્ષકો અને વાલીઓ માટે પણ ચિંતાનો વિષય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 2018માં કહ્યુ હતુ કે નાના બાળકો-બેથી પાંચ વર્ષની વયજૂથના- ને પ્રતિદિન એક કલાકથી વધુ સ્ક્રીનના સંપર્કમાં રાખવા જોઈએ નહીં. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે મસ્તિષ્ક પર ઈન્ટરનેટની અસરોની તપાસ કરનારા મોટાભાગના સંશોધનો પુખ્તવયના લોકો પર કરવામાં આવ્યા છે. તેના કારણે યુવાનોમાં ઈન્ટરનેટના ઉપયોગથી થનારા ફાયદા અને નુકસાનને નિર્ધારીત કરવા માટે વધુ સંશોધન કરવાની જરૂરિયાત છે.

રિસર્ચ ફેલો જોસેફ ફર્થે કહ્યુ છે કે બાળકોને ઈન્ટરનેટની નકારાત્મક અસરોથી બચવા માટે સંશોધનની જરૂરત છે. વાલીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમના બાળકો ડિજિટલ ડિવાઈસ પર વધારે સમય તો વિતાવી રહ્યા નથી ને. માતાપિતા બાળકોની શારીરિક ગતિવિધિઓ પર વધારે ધ્યાન આપે.

03 July 2021

મતિપ્રક્ષાલન (brainwashing)

મતિપ્રક્ષાલન (brainwashing)

મતિપ્રક્ષાલન (brainwashing) : વ્યક્તિને સહેતુક વિચારશૂન્ય કરી અન્ય મતનું આરોપણ કરવાની પદ્ધતિ. આ હેતુ માનસિક યાતના યા અન્ય માર્ગે સિદ્ધ કરવામાં આવે છે.

આ પદ્ધતિના મુખ્ય ત્રણ તબક્કાઓ છે : 

પ્રથમ તબક્કામાં સજા પામનાર વ્યક્તિને તેના અન્ય તમામ સાથીઓ કે સહકર્મચારીઓથી અલગ કે તદ્દન વિખૂટી પાડી દેવામાં આવે છે. વળી સામાન્ય જનજીવનની માહિતીના તમામ સ્રોત અટકાવી માહિતીના અભાવવાળો એક અંધારપટ ઊભો કરવામાં આવે છે.

બીજા તબક્કામાં તેને શારીરિક કે માનસિક યાતનાઓનો ભોગ બનાવવામાં આવે છે. આ માટે વ્યક્તિને સતત ભૂખી-તરસી રાખવી, તેને ઊંઘ ન લેવા દેવી તથા તેના સામાજિક સંપર્કોનો પૂરેપૂરો અંત લાવવો વગેરે પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે શારીરિક યાતનાઓ કરતાં માનસિક યાતનાઓ વધુ ભયંકર અને ક્રૂર હોય છે. જરૂર પડ્યે વ્યક્તિના સમગ્ર ચેતાતંત્રને બૂઠું બનાવી દે તેવી પદ્ધતિઓ પણ અજમાવવામાં આવે છે. જો વ્યક્તિ ગુનેગાર હોય તો તેની પાસે ગુનાની કબૂલાત કરાવવામાં આવે છે. વ્યક્તિમાં દોષભાવ ઊભો કરી તેને સંપૂર્ણ આજ્ઞાંકિત બનાવી દઈ તેની ધાર્મિક, સામાજિક અને રાજકીય માન્યતાઓ ખોટી છે એમ વારંવાર ઠસાવવામાં આવે છે. આમ, વ્યક્તિના આત્મવિશ્વાસને હચમચાવી દઈ વિચારશૂન્ય કરી દેવામાં આવે છે.

ત્રીજા તબક્કામાં તેની પર અપેક્ષિત કે ઇચ્છિત માન્યતાઓનું આરોપણ કરવામાં આવે છે. આ તબક્કે વ્યક્તિ એવી માનસિક અવસ્થામાં હોય છે કે આરોપિત વિચારો કે વિચારસરણી સહજતાપૂર્વક અને ઝડપથી સ્વીકારી લે. આ નવા વિચારો કે માન્યતાઓ પાકી, ઊંડી અને સ્થાયી બને તથા વ્યક્તિના માનસપટ પર સ્થિરતા પામે તે માટે સતત કોશિશ કરવામાં આવે છે. વળી જરૂરી જણાય તો તે માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો આશ્રય લેવામાં આવે છે. ટૂંકમાં, આરોપિત વિચારો કે વલણોને સ્થિર બનાવી દેવામાં આવે છે.

રાજકીય અને યુદ્ધકેદીઓ માટે આ પદ્ધતિનો વિશેષ ઉપયોગ થાય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન બિનલોકશાહી રાજકીય પદ્ધતિઓએ આ પ્રક્રિયા દ્વારા પોતાની વિચારસરણીનો ફેલાવો કરવા પ્રયાસ કર્યા હતા. વ્યક્તિઓને માનસિક યાતનાઓ પહોંચાડવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 1949માં ચીનમાં સામ્યવાદીઓ સત્તા પર આવ્યા ત્યારે બુદ્ધિજીવીઓ અને મધ્યમવર્ગનું મતિપ્રક્ષાલન કરવા ત્યાં આ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાઈ હતી. 195૦થી ’53ના કોરિયાના યુદ્ધ બાદ ઉત્તર કોરિયાવાસીઓએ આ પદ્ધતિ દ્વારા યુદ્ધકેદીઓને સામ્યવાદી બનાવવા પ્રયાસ કર્યા હતા.

ધાર્મિક સંપ્રદાયો અને ઉદ્દામવાદી રાજકીય જૂથો અને કંઈક અંશે આંતકવાદીઓ પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી પોતાનો લોક-આધાર ટકાવી રાખે છે.

સઘન મનોવૈજ્ઞાનિક સારવાર દ્વારા મતિપ્રક્ષાલનનો ભોગ બનેલી મોટાભાગની વ્યક્તિઓ નિજી વાતાવરણમાં આવી પોતાની માન્યતાઓ પુન: સ્વીકારી લે છે અને મતિપ્રક્ષાલિત અવસ્થામાંથી મુક્તિ મેળવે છે.

રક્ષા મ. વ્યાસ

02 July 2021

રેમન્ડ બર્નાર્ડ કેટેલ

 રેમન્ડ બર્નાર્ડ કેટેલ

કેટેલ, રેમન્ડ બર્નાર્ડ (જ. 20 માર્ચ 1905, સ્ટૅફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1998) : મનોવિજ્ઞાનના વિષયમાં વ્યક્તિત્વ વિશે સંશોધન કરી તેમાં મહત્ત્વનું પ્રદાન કરનાર મનોવિજ્ઞાની. તેમના સંશોધનકાર્યમાં તેમણે સંખ્યાત્મક પદ્ધતિ (quantitative methods) તેમજ ઘટક વિશ્લેષણ(factor analysis)નો ઉપયોગ કર્યો છે.

લંડન યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. મેળવીને 1929માં તેમણે મનોવિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવી. 1928થી 1937 સુધી પ્રથમ એક્સિટર તથા પછી લેસ્ટર યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું.

વ્યક્તિત્વ વિશેના મૌલિક પ્રદાન બદલ લંડન યુનિવર્સિટી તરફથી તેમને 1937માં ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવી એનાયત કરવામાં આવી. ત્યારબાદ તેમણે અમેરિકાની કોલંબિયા તથા હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય આગળ ધપાવ્યું.


રેમન્ડ બર્નાર્ડ કેટેલ

1944માં તે ઇલિનૉય યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તેમજ તે સાથે વ્યક્તિત્વ અને સામૂહિક વર્તન સંશોધન પ્રયોગશાળાના અધ્યક્ષસ્થાને રહ્યા. ઉપરાંત 1973 સુધી તે હવાઈ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે રહ્યા. 1953માં તેમને ન્યૂયૉર્ક એકૅડેમી ઑવ્ સાયન્સ તરફથી સંશોધકના મનોવિજ્ઞાન ઉપરના કાર્ય (work on psychology of researcher) માટે વેનર ગ્રેન પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. 1960માં સોસાયટી ફૉર મલ્ટિવેરિયેટ ઍક્સપેરિમેન્ટલ સાઇકૉલૉજીની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો તેમજ તેના પ્રથમ પ્રમુખ તરીકે કામગીરી બજાવી.

તેમણે વ્યક્તિત્વના ક્ષેત્રે કરેલા કાર્યને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે. પ્રથમ તેમણે ‘ડિસ્ક્રિપ્શન ઍન્ડ મેઝરમેન્ટ ઑવ્ પર્સનાલિટી’ (1946) લખ્યું. એમાં તેમણે વ્યક્તિત્વનું વર્ણનાત્મક ર્દષ્ટિબિંદુ દર્શાવ્યું. બીજા તબક્કામાં ‘પર્સનાલિટી – એ સિસ્ટમૅટિક થિયૉરેટિકલ ઍન્ડ ફૅક્ચ્યુઅલ સ્ટડી’ (1950) લખ્યું. આગળ જે લખ્યું હતું તેને એકત્રિત કરીને આ પુસ્તકમાં વ્યક્તિત્વ અંગેની મહત્વની બાબતોનો નિર્દેશ કર્યો. ત્રીજા તબક્કામાં તેમણે ‘પર્સનાલિટી ઍન્ડ મોટિવેશન સ્ટ્રક્ચર ઍન્ડ મેઝરમેન્ટ’(1957)માં વ્યક્તિત્વ અંગેના પોતાના સિદ્ધાંતોનું સંપૂર્ણ અને વિગતે આલેખન કર્યું. તેમણે સ્પિયરમૅને શરૂ કરેલા કાર્યનો અને થર્સ્ટને વિકસાવેલી પદ્ધતિનો સઘન ઉપયોગ કર્યો. આ સંદર્ભમાં તેમણે ‘ટ્રેટ થિયરી ઑવ્ પર્સનાલિટી’ના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. તેમના મંતવ્ય પ્રમાણે વ્યક્તિત્વનો અભ્યાસ સમષ્ટિવાદી ર્દષ્ટિબિંદુથી નહિ પણ અણુવાદી ર્દષ્ટિબિંદુથી કરવો જોઈએ.

તેમની પોતાની 40 વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે આશ્ચર્ય ઉપજાવે એટલાં પુસ્તકો, વ્યાપ્તિલેખો (monographs) અને લેખો લખ્યાં છે. તે સર્વે આજે પણ વ્યક્તિત્વસંશોધન અને મનોમાપનના ક્ષેત્રે અગત્ય ધરાવે છે. એટલું જ નહિ પણ પ્રાયોગિક મનોવિજ્ઞાનના રૂઢિગત ક્ષેત્રે, સમાજલક્ષી મનોવિજ્ઞાન અને માનવજનીનશાસ્ત્ર-(human genetics)ના અગત્યના પ્રશ્નો(topics)ને સ્પર્શે છે. આ ઉપરાંત તેમણે બુદ્ધિમત્તા (intelligence), વ્યક્તિત્વ અને ચિકિત્સા (clinical) અંગે ડઝન જેટલી કસોટીઓની રચના કરી છે, જે જુદી જુદી ભાષામાં રૂપાંતર પામીને બહોળા ઉપયોગમાં લેવાય છે.

કેટેલના કાર્યક્ષેત્ર અને રસનો વિકાસલક્ષી ખ્યાલ ‘પર્સનાલિટી ઍન્ડ સોશિયલ સાઇકૉલૉજી’ (1964) નામના પુસ્તકમાં રજૂ થયો છે.

હરકાન્ત બદામી

01 July 2021

સૌ.યુનિ.નો સ્ટડી કેસ:કોરોના બાદ લોકો બન્યા શારીરિક અને માનસિક નબળાઈના વિકૃતભયનો શિકાર

સૌ.યુનિ.નો સ્ટડી કેસ:કોરોના બાદ લોકો બન્યા શારીરિક અને માનસિક નબળાઈના વિકૃતભયનો શિકાર, 54% મહિલાઓ અને 45% પુરુષો ભોગ બન્યા


  • આ પ્રકારના ભયમાં વ્યક્તિ અવાસ્તવિક નબળાઈ અનુભવે છે

વિકૃત ભય એક એવી માનસિક બીમારી છે જેમાં વ્યક્તિ અમુક વસ્તુ કે પરિસ્થિતિ જે ભયજનક ન હોય છતાં તેનાથી ડર અનુભવે છે. આવો વિકૃત ભય વ્યક્તિના શારીરિક, માનસિક, સામાજિક કાર્ય અને ચયાપચયનની ક્રિયાને નુકસાન કરે છે. આ ઉપરાંત વાર્તનિક પરિવર્તનોનું કારણ પણ બને છે. આ વિકૃત ભય સામાન્ય ચિંતાથી અલગ હોય છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને વિદ્યાર્થિની પુરોહિત નિશાએ મનોવિજ્ઞાન ભવનમાં આવેલા ફોન કોલ્સથી વિશ્લેષણ કર્યું છે. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી છે. જેમાં 54% મહિલાઓ અને 45% પુરુષો એથેનોફોબિયાના ભોગ બન્યા છે.

કોરોના બાદ લોકોમાં નબળાઈનો ભય પણ સતાવે છે

મનોવિજ્ઞાન ભવનના મતે આશરે 54% મહિલાઓ અને 45% પુરુષોમાં કોરોનામુક્ત થયા બાદ નબળાઈનો વિકૃત ભય જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન લોકોને સૌથી વધુ મોતનો ડર અનુભવાય છે. આ ઉપરાંત કોરોના બાદ લોકોમાં નબળાઈનો ભય ( ફિયર ઓફ વીકનેસ) જોવા મળે છે.

એથેનોફોબિયાના લક્ષણો અને કારણો

1 ગભરામણ થવી
2. વધુ પડતો પરસેવો થવો
3. લોકોથી દૂર ભાગવું
4. માથું ભારે લાગવું
5. કાનમાં અલગ અલગ અવાજ સંભળાય
6. હૃદયના ધબકારા વધી જવા
7. ચક્કર આવવા
8. ખુબ ઊંઘ આવવી તથા અનિદ્રા
9. અકારણ ચિંતા
10. રોજિંદુ કાર્ય કરવામાં તકલીફ
11.અચાનક શ્વાસ લેવામાં તકલીફ

લક્ષણ પોતે વિકસિત થાય છે

આ પ્રકારના ભયમાં વ્યક્તિ અવાસ્તવિક નબળાઈ અનુભવે છે. તેને જ્યારે ખબર પડે કે કોઈ રોગ મટ્યા પછી અમુક વ્યક્તિમાં અમુક લક્ષણો જોવા મળે છે તો તેવા લક્ષણ તે પોતે વિકસાવે છે અને તેનામાં એ લક્ષણ દેખાય છે. જેમ કે લોકોને ખબર છે કે કોરોના મટ્યા પછી ઘણી વ્યક્તિને નબળાઈ લાગતી હોય છે. આ બાબત વારંવાર સાંભળીને આ લક્ષણ પોતે વિકસિત કરી નબળાઈ અનુભવે છે.


માનસિક સ્વાસ્થ્ય અત્યંત નબળું થઈ જાય

આજકાલ કોરોના પછી લોકોમાં ઘણા ભય જોવા મળે છે તેમાં સૌથી વધુ જોઈ તો લોકો કોરોના થઇ ગયા પછી નબળાઈના ભયનો ભોગ બને છે. 21મી સદીમાં આજે માનવીએ પોતાના જીવનને વધુ સુખસુવિધા પૂર્ણ બનાવા ઘણી શોધો કરી છે. પણ તેની સામે માનવી ઘણી જગ્યાએ પોતાને નબળો બનાવી દીધો છે. જેમ કે માનવીનું માનસિક સ્વાસ્થ્ય, આજે કોરોનાના સમયમાં માનવીની જીવનશૈલી પહેલેથી ઘણી અલગ થઈ ગઈ છે. જે ઘણા લોકો સ્વીકારી શક્યા નથી તેથી તે માનસિક રોગ જેમ કે અકારણ ચિંતા, ચિડીયાપણું, ડિપ્રેશન વગેરેનો ભોગ બન્યા છે. કોરોના થઈ ગયેલા દર્દી કોરોના સામે લડીને સાજા થઈ ગયા છે પણ તેઓના માનસિક સ્વાસ્થ્યને ક્યાંક કોરોના મટી ગયા પછી પણ અસર કરે છે એટલે કે તેઓના નબળાઈનો ભય વધુ જોવા મળે છે. જેવો શારીરિક રીતે હવે એકદમ સ્વસ્થ હોય છતાં તેમને એવો જ અનુભવ થાય કે પોતાનામાં નબળાઈ છે.

1. શારીરિક નબળાઈનો ભય
કોરોના પછી જ્યારે વ્યક્તિ શારીરિક રીતે એકદમ સ્વસ્થ હોય છતાં તેમને કોઈ કાર્ય કરવામાં સંકોચ આવે છે તેમને એવું લાગે કે તે આ કાર્ય કરવા સક્ષમ નથી. જેવો કોઈ ભારે વસ્તુ કે શારીરિક પરિશ્રમ માગે તેવું કાર્ય કરતા ડર અનુભવે છે.

2. માનસિક નબળાઈનો ભય
જેમાં વ્યક્તિને એવો જ ડર સતાવે છે કે તે આ સમય એકલા રહ્યા પછી હવે તે માનસિક રીતે અસ્વસ્થ છે. તેમને કોરોના તો મટી ગયો પણ માનસિક રોગ નો શિકાર બન્યા છે. સતત ચિંતા કરવા લાગે છે. તેમને એવો જ ડર લાગે છે કે તે કોઈ માનસિક બીમારી નો ભોગ બની ગયા છે.

3. આવેગીક નબળાઈનો ભય
જેમાં વ્યક્તિ પોતાના આવેગોને લઈને ભય અનુભવે છે. જેમાં વ્યક્તિ એવો ડર અનુભવે છે કે તે કોઈ સાથે સારા સંબંધો નહિ રાખી શકે કારણ કે તે પોતે આવેગીક નબળાઈ નો ભય અનુભવે છે.

4. બોધત્મક નબળાઈનો ભય
જેમાં વ્યક્તિ પોતે કોઈ નિર્ણય લેવા સક્ષમ નથી તેમજ પોતાની વિચાર શક્તિ ગુમાવી દીધી છે , કશું યાદ નથી રહેતું એટલે કે સ્મરણ શક્તિ ગુમાવી દીધી,કોઈ તર્ક કાર્ય નથી કરી શકતા તેવો ભય અનુભવે છે.

મનુષ્ય અમુક ઘાતક ઘટના જે પોતાના મગજ માં બેસાડી દે છે

મનોવિજ્ઞાન ભવનના તજજ્ઞો મુજબ બધા મનુષ્યમાં જોવા મળતી અલગ અલગ સહજ ભાવના માંથી ડર એક છે. મનુષ્યમાં જોવા મળતી અન્ય સહજ ભાવના જેમ કે ક્રોધ, ચિંતા, ખુશી વગેરે ની જેમ ડર પણ છે.માનવીના મગજ માં એમીગડાલા જોવા મળે છે તે ભય સાથે જોડાયેલ હોય છે. એમીગડાલા પીટ્યૂટરી ગ્રંથિની પાછળ સ્થિત હોય છે. એમીગડાલા હોર્મોન્સ નો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે આક્રમકતા અને ભય ને પ્રભાવિત કરે છે. તેથી જ ભય માં ક્યારેક આક્રમકતા પણ જોવા મળે છે. મનુષ્ય અમુક ઘાતક ઘટના જે પોતાના મગજ માં બેસાડી દે છે અને વારંવાર યાદ કરે છે જેથી અમુક સમય કે સ્વપ્ન માં પણ તે ઘટના આવે છે જેથી ભય નો શિકાર બને છે.

નબળાઈનો ભય દૂર કરવાના ઉપાયો

1. કોરોના મારો ભૂતકાળ હતો, જેની સામે મે જીત મેળવી છે
2. કોરોના તથા તેની દવાઓ ની વાતો કરવાનું બંધ કરવું
3. કોરોના પહેલાની જીવનશૈલી વિશે વિચારવું
4. પહેલા જેવું જીવન જીવવું
5. યોગ કરવા
6. હું શારીરિક, માનસિક રીતે સ્વસ્થ છું. એવો વિચાર નિત્ય કરવો
7. સવાર સાંજ પરિવાર સાથે બેસવું
8. કોરોના ના સમાચારથી દૂર રહેવું
9. નબળાઈ છે જ નહિ તેથી બધા કાર્યો કરવા
10. જીવન ધ્યેય બનાવી સામે રાખવું અને તેને લગતા કર્યો કરવા
11. કંટાળો આવે તો તર્ક કે ગાણિતિક રમત રમવી
12. દોસ્ત સાથે ભણવાની તેમજ વ્યવસાયની વાતચીત કરવી
13. નવા નવા શોખ વિકસાવવા
14. નવી પ્રવુતિઓ કરવી
15. સેવાભાવ વિકસાવવો.

થેરાપી

1. બોધાત્મક વર્તન
આ થેરાપી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી થેરાપી છે. થેરાપીસ્ટ દર્દીને ભયના કારણો સમજવામાં માટે અલગ અલગ રીત શીખવાડે છે. જેથી ભયનો સામનો કરવામાં આસાની રહે. ભયને જોવા તેમજ સમજવા માટે અલગ અલગ રીત સમજવામાં આવે છે. દર્દીને સમજવામાં આવે છે કે અલગ દ્રષ્ટિકોણ થી શું પ્રભાવ પડે છે અને નવો દ્રષ્ટિકોણ જિંદગીને બદલી શકે છે. થેરાપી નું સંપૂર્ણ ધ્યેય દર્દીના નિષેધક વલણો તથા ખોટી ધારણા દૂર કરવાનો હોય છે.

2. એક્સપોઝર
જો આ થેરાપી યોગ્ય રીતે કરવામાં આવે તો દર્દી ભય પ્રત્યેની પ્રતિક્રિયામાં પરિવર્તન લાવી શકાય. દર્દીને ભયનો ધીમે ધીમે અનુભવ કરાવી દૂર કરવામાં આવે છે.જો કોઈ વ્યક્તિને વિમાન માં બેસવાથી ડર લાગે છે તો પેલા તેને વિમાન યાત્રા વિશે વિચારવાનું કહેવામાં આવે, પછી વિમાન નજીકથી બતાવવામાં આવે, એરપોર્ટ પર લઈ જવામાં આવે, વિમાન જેવા રૂમ માં બેસવામાં આવે વગેરે પ્રયત્નો થી છેલ્લે વિમાન યાત્રા કરી શકે છે.