મનોવિજ્ઞાનનો અર્થ અને સમજુતી
મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આધુનિક યુગમાં મનોવિજ્ઞાન જીવનનાં જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનાં સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે. તેનો અભિગમ ચોકસાઈભર્યો, વાસ્તવિક, સંશોધનાત્મક, તાર્કિક અને વસ્તુલક્ષી તથા પદ્ધતિસરનો હોય છે. આધુનિક જટિલ સમાજની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ જરૂરી છે. મનોવિજ્ઞાન મનવીનો સ્વભાવ અને એનું વ્યક્તિત્વ, એની શક્તિઓ અને મર્યાદઓ અંગે સાચી સમજ કેળવવામાં ખૂબ ઉપયોગી છે. આધુનિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક બન્યું છે અને તેની તેની વિવિધ શાખાઓનો વિકાસ થયો છે. આમતો ગુજરાત બોર્ડના ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.
મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ (Subject matter) માનવીનું વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીનું વર્તન જટિલ છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનને કેન્દ્રમાં રાખી, તેનો વૈજ્ઞાનિક દ્દ્ષ્ટિકોણથી અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન વિવિધ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા પોતાના વિષયવસ્તુ અંગે માહિતી એકત્રિત કરે છે અને માનવજીવનની વિવિધ સમસ્યાઓની સમજ પ્રાપ્ત કરી તેના વ્યવહારુ ઉકેલો સૂચવે છે.
મનોવિજ્ઞાનની વ્યાખ્યા (Definition and Explanation of Psychology): પ્રાચીન તત્વચિંતકો અને આધુનિક મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ આપી છે.
1. એચ. ઈ. ગેરેટના મત પ્રમાણે “મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માંવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતાં વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે.”
2. સી.ટી.મોર્ગનના મત પ્રમાણે “મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે.”
3. હિલ ગાર્ડ અને એટકિન્સનના મત પ્રમાણે “મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.”
ઉપરની વ્યાખ્યાઓને આધારે મનોવિજ્ઞાનની સર્વમાન્ય વ્યાખ્યા નીચે પ્રમાણે છે :
“મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે.”
મનોવિજ્ઞાની સમજ માટે:
1. માનસિક પ્રક્રિયા એટલે શું? (What is mantel Process?):
માનસિક પ્રક્રિયા મગજમાં ચાલતી પ્રવૃત્તિઓ હોવા છતાં તેમને શારીરિક પ્રવૃત્તિઓ કહી શકાય નહિ. આ પ્રવૃત્તિઓ મગજમાં ચાલતી પ્રવૃત્તિઓ સાથે નહિ પરંતુ બાહ્ય જગતમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થો, ઘટનાઓ અને પ્રવૃત્તિઓ સાથે સબંધ ધરાવે છે. આમ, માનસિક પ્રક્રિયાઓ વ્યક્તિલક્ષી પણ છે. માનસિક પ્રક્રિયાઓમાં આંતરિક માનસિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ માનસિક પ્રવૃત્તિને અન્ય વ્યક્તિ જોઈ શકતી નથી. દા.ત. આપણે કોઈ વ્યક્તિની ‘વિચારણા’ જોઈ શકતા નથી: પરંતુ તે વ્યક્તિ સમસ્યા કેવી રીતે ઉકેલે છે તેનું નિરિક્ષણ કરી ધારણા કરી શકીએ છીએ. સમસ્યાના ઉકેલમાં વ્યક્તિની માનસિક વિચારણાની પ્રક્રિયા સમાયેલી છે. વ્યક્તિના વર્તન અને સ્નાયવિક તથા આવયવિક ચેષ્ટાઓને આધારે વ્યક્તિની માનસિક પ્રક્તિયાઓનું અનુમાન કરી શકાય છે.
2. અનુભવ એટલે શું? (What is Experience?): મનોવિજ્ઞાન વ્યક્તિના અનુભવોના અભ્યાસમાં રસ ધરાવે છે. દા.ત. તેઓ સ્વપન, નિંદ્રા, ધ્યાન વગેરે અનુભવોનો અભ્યાસ કરે છે. વ્યક્તિના અનુભવોનું મૂળ તેની ચેતન અવસ્થામાં રહેલું છે.
3. વર્તન એટલે શું? (What is Baheviour?): મનોવૈજ્ઞાનિકો માનવીનાં વર્તનના બધાં સ્વરૂપોનો અભ્યાસ કરે છે. તેઓ પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ, પ્રતિક્રિયાઓ, પૃવૃત્તિઓ, આંતરિક લાગણી અને વર્તનોનો અભ્યાસ કરે છે. આવા વર્તનો આંતરિક ઉદ્દિપનો અને બાહ્ય ઉદ્દિપનો દ્વારા ઉદ્દભવે છે. મનોવૈજ્ઞાનિકો વર્તનનો અભ્યાસ કરતી વખતે ઉદ્દિપક અને પ્રતિક્રિયા શબ્દનો ઉપયોગ કરે છે. ‘પ્રતિક્રિયા’ એટલે વ્યક્તિની નિરીક્ષણ થઈ શકે એવી શાબ્દિક કે બિનશાબ્દિક પ્રવૃત્તિઓ. ‘ઊદ્દિપક’ એટલે જેના કારણે પ્રતિક્રિયા જન્મે તેવી પ્રવૃત્તિ.
ઉદ્દિપક અને પ્રાણીની શારીરિક તથા માનસિક પ્રક્રિયાઓની આંતરક્રિયાને કારણે પ્રતિક્રિયા જન્મે છે. દા.ત. શિક્ષક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછે છે અને વિદ્યાર્થી તે પ્રશ્નનો ઉત્તર આપે છે. અહીં શિક્ષકનો પ્રશ્ન ‘ઉદ્દિપક’ છે અને વિદ્યાર્થીનો ઉત્તર ‘પ્રતિક્રિયા’ છે. મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના વર્તનને સમજવા તેને વિવિધ સ્તરે તપાસે છે. દા.ત. વૈયક્તિક વર્તન, જૂથવર્તન, ટોળાકીય વર્તન, સંગઠિત વર્તન, આંતરવૈયક્તિક વર્તન, આંતરજૂથ વર્તન વગેરે, કેટલીક વાર સંદર્ભ બદલાતાં વર્તનનો અર્થ પણ બદલાઈ જાય છે. દા.ત. રમતના મેદાનમાં બળક કૂદે તો તે યોગ્ય ગણાય: પરંતુ એ જ વર્તન ઘરમાં સોફાસેટ ઉપર કરે તો તે અયોગ્ય કહેવાય છે. આથી વર્તનનો અભ્યાસ કરતી વખતે વર્તનના વાતાવરણનો સંદર્ભ ધ્યાનમાં રાખવામાં આવે છે.
4. વિજ્ઞાન એટલે શું? (What is Science?): મનોવિજ્ઞાનિકો વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. મનોવૈજ્ઞાનિકો તેમના જુદા જુદા અભ્યાસમાં પદ્ધતિસરનું નિરિક્ષણ, વિશ્ર્લેષણ અને અર્થઘટન જેવા વૈજ્ઞાનિક માપદંડો સ્વીકારે છે અને માનવીના વર્તનનાં જુદા જુદા પાસાઓને અને અનુભવોને સમજવા માટે વૈજ્ઞાનિક સિદ્ધાતોને વિકસાવવાનો પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાન ગેરસમજો અને ખોટી માન્યતાઓને દૂર કરી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વાર તેમની સાચી ઓળખ આપે છે.
No comments:
Post a Comment