આલ્ફ્રેડ બિને
બિને, આલ્ફ્રેડ (જ. 8 જુલાઈ 1857, નાઇસ, ફ્રાંસ; અ. 1911) : ફ્રેંચ માનસશાસ્ત્રી. તેમણે ફ્રેંચ પ્રાયોગિક મનોવિજ્ઞાનના વિકાસમાં તેમજ બુદ્ધિના માપનના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. બિનેએ 1878માં કાયદાશાસ્ત્રની તેમજ 1890 અને 1894માં વિજ્ઞાનશાખાની ડિગ્રીઓ મેળવી; પરંતુ ફ્રેંચ ન્યૂરોલૉજિસ્ટ ઝ્યાં શારકોટ(Jean Charcot)નાં કાર્યોથી પ્રભાવિત થઈને કાયદાશાસ્ત્રનો ત્યાગ કર્યો અને 1891 સુધી સલ્પેટ્રિયર હૉસ્પિટલ, પૅરિસમાં તબીબી અભ્યાસ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી. 1892માં સોરબોનમાં આવેલી શરીરલક્ષી પ્રયોગશાળાના સંયુક્ત ડિરેક્ટર તરીકે આલ્ફ્રેડ બિનેની નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ 1894માં તેઓ ડિરેક્ટર તરીકે નિમાયા. 1895માં તેમણે ‘‘L Annee’ Psychologigue (‘Psychological Year’)’’ નામનું પ્રથમ ફ્રેંચ મનોવૈજ્ઞાનિક જર્નલ પ્રકાશિત કર્યું. એલન અને અન્ય સહાયકો સાથે મળીને બિનેએ સંમોહન, પ્રાયોગિક મનોવિજ્ઞાન, વ્યક્તિગત તફાવતો, વિચારશક્તિ, બુદ્ધિ અને સૂચનવશતાને લગતા મનોવૈજ્ઞાનિક મુદ્દાઓનો પ્રચાર કર્યો.
અંગ્રેજ ફિલસૂફ જેમ્સ અને જૉન સ્ટુઅર્ટ મિલના સંઘવાદ (એક મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત, જે દર્શાવે છે કે વધુ જટિલ માનસિક કાર્યો સાદાં કાર્યોના એકબીજા સાથેના જોડાણને લીધે અસ્તિત્વમાં આવે છે.) અને અંગ્રેજ ફિલસૂફ તેમજ માનસશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરના ર્દષ્ટિબિંદુથી પ્રભાવિત થઈને બિનેએ ધ્વનિના પ્રયોગો પર આધારિત સંઘવાદના નિયમો સ્થાપવાના પ્રયત્નો કર્યા.
આલ્ફ્રેડ બિને
આલ્ફ્રેડ બિને ઉપર અંગ્રેજ માનસશાસ્ત્રી સર ફ્રાંસિસ ગાલ્ટનના પ્રયત્નોનો પણ પ્રભાવ જણાય છે. ગાલ્ટને પ્રમાણિત કસોટીઓનો ઉપયોગ કરીને વ્યક્તિગત તફાવતોના પ્રાયોગિક મનોવિજ્ઞાનની સ્થાપના કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. બિનેએ તે જ કાર્ય આગળ ધપાવ્યું. તેમણે વિખ્યાત લેખકો, કલાકારો, ગણિતશાસ્ત્રીઓ અને શતરંજના ખેલાડીઓના અભ્યાસની પદ્ધતિઓને સાર્થક બનાવવા માટે તેમના શારીરિક પ્રકાર, હસ્તાક્ષર અને અન્ય લક્ષણોનું નિરીક્ષણ કરીને ઔપચારિક કસોટીઓનો પણ ઉપયોગ કર્યો.
બિનેનાં નોંધપાત્ર કાર્યોમાં તેમણે લખેલાં પુસ્તકો પણ છે. તેમાં તેમણે 1886માં ‘La Psychologic duraisonnement’ અને બીજું પુસ્તક ‘L’ Etude experimentale de l’intelligence’ (‘Experimental Study of Intelligence’) 1903માં લખ્યું, જેમાં બિનેએ પોતાની બે પુત્રીઓનાં માનસિક લક્ષણોની ઝીણવટપૂર્વક તપાસ કરીને બે વિરોધાભાસી વ્યક્તિત્વ-લક્ષણોનો પદ્ધતિસરનો અભ્યાસ કર્યો. તેમનાં ચિત્રો, શાહીના ડાઘા અને ર્દશ્ય સાધનોના કુશળતાપૂર્વકના ઉપયોગથી પ્રક્ષેપણ-કસોટીઓના નિર્માણની નવી દિશાઓ ઊઘડી.
બિનેનું સૌથી મુખ્ય અને અગત્યનું પ્રદાન મનોમાપન ક્ષેત્રે તેમણે કરેલી પ્રથમ વ્યાવહારિક બુદ્ધિકસોટીઓનું નિર્માણ છે. 1905 અને 1911ના સમયગાળામાં તેમણે પૅરિસની શાળાનાં બાળકોની બુદ્ધિ અને શૈક્ષણિક સિદ્ધિના માપન માટેની ખૂબ જ અસરકારક કસોટીઓનું નિર્માણ કર્યું. આ બુદ્ધિકસોટીની રચનામાં બિનેને ડૉ. થિયૉડોર સાયમનનો પણ સહકાર મળ્યો હતો. ત્યારબાદ તે બુદ્ધિકસોટીનાં અન્ય રૂપાંતરો 1908 અને 1911માં થયાં. આ બુદ્ધિકસોટી બિને-સાયમન બુદ્ધિકસોટી તરીકે ઓળખાય છે.
મહેશભાઈ કહાર
No comments:
Post a Comment