Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

03 June 2021

આનૉર્લ્ડ ગઝેલ

 આનૉર્લ્ડ  ગઝેલ

ગઝેલ, આનૉર્લ્ડ (જ. 21 જૂન 1880, આલ્મા, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 29 મે 1961) : નવજાત શિશુના માનસિક વિકાસના આદ્ય સંશોધક. બાળમનોવિજ્ઞાનના સ્થાપક સ્ટેનલી હૉલના વિદ્યાર્થી ગઝેલે અમેરિકાની ક્લાર્ક યુનિવર્સિટીમાંથી 1906માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1915માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી હતી. તેમણે યેલ ગ્રૅજ્યુએટ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી.

‘ધ મેન્ટલ ગ્રોથ ઑવ્ સ્કૂલ ચાઇલ્ડ’ (1926), ‘ઇન્ફન્સી ઍન્ડ હ્યૂમન ગ્રોથ’ (1928), ‘વુલ્ફ ચાઇલ્ડ ઍન્ડ હ્યૂમન ચાઇલ્ડ’ (1941) અને ‘ધ એમ્બ્રિયૉલૉજી ઑવ્ બિહેવિયર’ (1945) વગેરે પુસ્તકો દ્વારા બાળકોનાં વૃદ્ધિ-વિકાસના વિવિધ તબક્કાનાં લક્ષણોના વિગતપૂર્ણ અભ્યાસને ઘણો વેગ મળ્યો છે. શિશુઓના પ્રગટ (overt) વર્તનને આધારે તેમની પરિપક્વતા અંગેનો સિદ્ધાંત સ્થાપવામાં ગઝેલે શીખવાની પ્રક્રિયા(learning)ને ખાસ મહત્વ આપ્યું નથી.

આનૉર્લ્ડ ગઝેલ

ગઝેલે શિશુઓના વિકાસનાં નીચેનાં પાંચ તત્વો સિદ્ધાંતો દર્શાવ્યાં છે :
(1) બાળકોના વિકાસની દિશા શરીરના મસ્તિષ્કના ભાગ તરફથી શરીરના પગ તરફના ભાગ સુધીની (cephalocaudal) હોય છે. તેથી જ બાળક પગનાં હલનચલનો કરતાં માથાનાં હલનચલનો ઉપર વહેલું નિયંત્રણ મેળવી શકે છે. તે જ રીતે વિકાસની દિશાનું બીજું તત્વ એ છે કે બાળકનું પોતાના શરીરનું નિયંત્રણ કેન્દ્રથી પરિઘ તરફનું (proximodistal) હોય છે. 

(2) બાળક વધુ ને વધુ જટિલ વર્તન કરે તેમ તેમ કેટલાંક વર્તનક્ષેત્રોમાં તેની પ્રગતિ મંદ પડે છે અથવા તેમાં પીછેહઠ થાય છે; દા. ત., બાળકના વાણીવિકાસમાં પ્રગતિ થતી હોય તેના અમુક તબક્કે તેનાં સ્નાયવિક – ક્રિયાત્મક હલનચલનોના વિકાસમાં મંદતા આવી જાય છે અને પીછેહઠ (regression) પણ જોવા મળે છે. આ તત્વને ‘પારસ્પરિક આંતરગ્રથન’ (reciprocal interweaving) તરીકે ગઝેલે રજૂ કર્યું છે. 

(3) શરૂઆતમાં બાળક બંને હાથનો સક્રિય ઉપયોગ એકસાથે કરે છે; પરંતુ પરિપક્વતા વધતાં બાળકમાં બંને હાથના એકસાથે થતા સાહજિક ઉપયોગને બદલે ચોક્કસ એક હાથના કૌશલ્યપૂર્ણ ઉપયોગ તરફનો ઝુકાવ આવે છે, એટલે કે તેની પસંદગી થાય છે. આ તત્વને ગઝેલ કાર્યાત્મક અસમરૂપતા (functional asymmetry) તરીકે ઓળખાવે છે.

 (4) બાળકનાં વર્તનોનો વિકાસ શીખવાની પ્રક્રિયાને લીધે નહિ પણ કેવળ અપરિપક્વનની સાહજિક અને આનુવંશિક રીતે નિર્ધારિત થતી ક્રિયાને લીધે જ થાય છે. પર્યાવરણના ઘટકો વર્તનના વિકાસના ઉદભવમાં ભાગ ભજવતા નથી. જોકે તેવા ઘટકો વર્તનના વિકાસમાં સહાયક કે અવરોધક બની શકે ખરા. 

(5) બાળકોના વિકાસનું સ્વનિયંત્રિત તંત્ર હોય છે. બાળકના વર્તનના વિકાસમાં આવા તંત્રથી ઉદભવતા ઉતારચઢાવ કે સ્થિત્યંતરો જોવા મળે છે. બાળકની પ્રવૃત્તિશીલતાથી વિશ્રાંતિની સ્થિતિઓમાં થતાં આવાં વિચલનો કે ફેરફારો તેને વધુ પુખ્ત સમાયોજન (adjustment) તરફ દોરી જવામાં ઉપકારક નીવડે છે. આ તત્વને ગઝેલ સ્વનિયંત્રિત સ્થિત્યંતરો (self-regulatory fluctuations) તરીકે ઘટાવે છે.

બાળકોના વર્તનના વિકાસનાં પાંચ તત્વો રજૂ કર્યાં તેમ તેમણે બાળકોના વર્તનનાં ચાર ક્ષેત્રોનાં માપન માટેનાં કસોટીપત્રકો તૈયાર કર્યાં : (1) સ્નાયવિક-ક્રિયાત્મક વર્તન, (2) સમાયોજનાત્મક વર્તન, (3) ભાષાવિષયક વર્તન અને (4) વ્યક્તિગત સામાજિક વર્તન. આ ચાર ક્ષેત્રો માટેનાં ગઝેલનાં કસોટીપત્રકો બાળકોની તબીબી તપાસને મદદરૂપ થાય તેવાં સાધનો તરીકે ઉપયોગી નીવડ્યાં છે. શિશુઓ અને શાળાપૂર્વની વયનાં બાળકોના વર્તનના વિકાસનાં ધોરણોને આધારે જ તેમની મજ્જાતંત્રીય ખામીઓ અને અવયવજન્ય વર્તણૂકક્ષતિઓ પારખી શકાય છે તેમ ગઝેલે દર્શાવ્યું છે.

ગઝેલના અભ્યાસનું લક્ષ્ય બાળકના મજ્જાતંત્રનો વિકાસ અને વય પ્રમાણે વિકસતી બાળકના વર્તનની તરેહો વચ્ચેનો સંબંધ શોધવાનું હતું. ગઝેલના મત પ્રમાણે બાળકની બુદ્ધિ જનીનતત્વો દ્વારા આનુવંશિક રીતે નિશ્ચિત થઈ જાય છે. સ્પિયરમૅને બુદ્ધિના બે ઘટકો – ‘સામાન્ય ઘટક’ અને ‘વિશિષ્ટ ઘટક’ દર્શાવ્યા છે. અવકાશશક્તિ, સંખ્યાશક્તિ, શાબ્દિક શક્તિ વગેરેને થર્સ્ટને બુદ્ધિના વિવિધ ઘટકો તરીકે દર્શાવી છે. બુદ્ધિના દ્વિઘટક કે બહુઘટક અભિગમને બદલે કેટલાક મનોવિજ્ઞાનીઓ બુદ્ધિને એક પરિમાણવાળું તંત્ર ગણે છે. બીને, સાયમન, ટર્મન અને ગાલ્ટનની જેમ જ ગઝેલે પણ બુદ્ધિને એક જ પરિમાણવાળી ગણી છે.

ગઝેલ અને કેટેલની કસોટીઓ શિશુઓના વિકાસની ચકાસણી માટે વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ છે. શિશુઓની કસોટી રચવાનું અને તેને પ્રયોજવાનું કામ પ્રમાણમાં ઘણું મુશ્કેલ છે. શિશુઓ માટેની મોટા ભાગની કસોટીઓ સાંવેદનિક – સ્નાયવિક (sensory – motor) કક્ષાની વિગતો જ તપાસે છે. ‘યેલ ક્લિનિક ઑવ્ ચાઇલ્ડ ડેવલપમેન્ટ’માં ગઝેલે શિશુઓના વર્તનનાં ઘણાં બધાં માપનો તેમનાં અવલોકનોને આધારે તૈયાર કર્યાં અને એ રીતે મનોમાપન, બાળમનોવિજ્ઞાન અને વિકાસલક્ષી મનોવિજ્ઞાનમાં મહત્વનું યોગદાન કર્યું છે.

મધુસૂદન બક્ષી

No comments:

Post a Comment